મોરબી : બી.આર.સી. ભવન મોરબી ખાતે જ્ઞાનકુંજ તાલીમમાં મોરબી સાયબર ક્રાઇમ વિભાગ તરફથી શિક્ષકોને સાયબર અવેરનેસની તાલીમ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલી છે. જે અંતર્ગત શિક્ષકોની તાલીમમાં 21મી સદીના ડિજિટલ યુગમાં જીવી રહેલા માનવીને ઇન્ટરનેટની સગવડે અનેક પ્રકારના ડિજિટલ સાધનોએ માણસની જિંદગી અનેક પ્રકારે બદલી નાખી છે. છતાંય ટેકનોલોજી એક બેધારી તલવાર છે જો એનો વિવેક પૂર્ણ દક્ષતા પૂર્વક એનો ઉપયોગ કરતા ન આવડે તો તે ક્યારેક અનર્થ સર્જતો હોય છે. પરિણામે સમાજમાં સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે. અશિક્ષિત જ નહીં પરંતુ ભણેલા ગણેલા પણ લાલચ ડર કે આળસના કારણે સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે.જે અંતર્ગત સમાજમાં જાગૃતિ આવે તે માટે સાયબર ક્રાઈમ વિભાગ તરફથી એએસઆઈ રજનીકાંતભાઈ કૈલા, કોન્સ્ટેબલ પરાક્રમસિંહ જાડેજા, કોન્સ્ટેબલ આકૃતિબેન પીઠવાની ટીમ દ્વારા શિક્ષકોમાં તથા તેમના વિદ્યાર્થીઓમાં આ પ્રકારની જાગૃતિ આવે તે માટે કૈલાસર દ્વારા ડિજિટલ અરેસ્ટ, સાઇબર બુલિંગ, ફાઇનાન્સિયલ ફ્રોડ, ઈમેલ સ્પૂફિંગ, વેબસાઇટ ફિશીંગ, વ્હોટ્સએપ વિડીયો કોલ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક દ્વારા ચાલાકી પૂર્ણ રીતે છેતરપિંડી કરીને કઈ રીતે સાયબર ગઠિયાઓ વ્યક્તિને છેતરીને તેને સામાજિક કે આર્થિક નુકસાન પહોંચાડે છે તેની સમાજમાં બની રહેલી ઘટનાઓના ઉલ્લેખની વિશદ છણાવટ કરવામાં આવી હતી. આ તકે બી.આર.સી. ચિરાગભાઈ આદ્રોજા, સી.આર.સી કો-ઓર્ડીનેટર ચેતનભાઇ જાકાસણીયા ઉમેશભાઈ પટેલ દ્વારા સાઇબર વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.