35થી વધુ ટીમમાં ઇન્કમટેક્સના 100 અધિકારીના કાફલા દ્વારા સીએ સહિતનાને ઝપટે મોરબી : ઇન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી રાજ્યવ્યાપી દરોડા શરૂ કરી મોરબીની જાણીતી તીર્થક પેપરમિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ફુલતરિયા પરિવારને ત્યા દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે દરોડાની આ કાર્યવાહી ત્રણેક દિવસ સુધી ચાલે તેમ હોવાના સંકેતો વચ્ચે 100 અધિકારીઓની 35 ટીમોએ સઘન તપાસ શરૂ કરી છે જેમાં ગ્રુપ સાથે સંકળાયેલ અન્ય ભાગીદારો અને સીએને પણ ઝપટે લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આવકવેરા વિભાગના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મોટા માથા ગણાતા રાજકીય આગેવાનના નજીકના સગા તીર્થક પેપરમિલ વાળા કિરીટભાઈ ફુલતરિયા અને જીવરાજભાઈ ફુલતરિયાને ત્યાં સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. વધુમાં પેપરમિલ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ તીર્થક ગૃપના ભાગીદારો તેમજ સીએ સહિતનાઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. વધુમાં અમદાવાદના રાધે ગ્રુપ ઉપરાંત મહેસાણામા પણ ઇન્કમટેક્સ દ્વારા દરોડા ચાલુ છે. મોરબીમાં રાજકોટ ઇન્કમટેક્સની ટીમોની આગેવાનીમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે અને આ તપાસ આગામી ત્રણેક દિવસ સુધી ચાલે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે તીર્થક ગ્રુપ મોરબીના મોટા ગજાના રાજકીય આગેવાનના નજીકના સગા થતા હોવાનું પણ ઇન્કમટેક્સના સૂત્રો જણાવી રહ્યા છે.