કલેકટરે ખુદ બે દિવસ મેદાનમાં ઉતરી આધારકાર્ડ કામગીરીની સમસ્યાનો ઉકેલ આવ્યાની જાહેરાત કરી, પણ સમસ્યા હજુ ઉભીને ઉભીમોરબી : મોરબી તાલુકામાં આધારકાર્ડની કામગીરીમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા અધિકારીઓએ બે દિવસની કસરત કરી 17 કેન્દ્રો હવે શરૂ થઈ ગયા હોવાની જોરશોરથી જાહેરાત કરી હતી. પણ આ પૈકીના 5 કેન્દ્રો હજુ પણ બંધ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેકટર કિરણ ઝવેરી આધારકાર્ડની કામગીરીમાં લોકોને પડતી મુશ્કેલી નિવારવા સતત બે દિવસથી કવાયત ચલાવી રહ્યા છે. જેમાં તેઓની સૂચના અનુસાર મોરબી તાલુકા સેવા સદનમાં કિટની સંખ્યા વધારી દેવામાં આવી છે. હવેથી ત્યાં 100 ટોકન મળવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત દૂરના ગામડામાંથી લોકોને અહિ સુધી ધક્કા ન થાય તે માટે તેઓએ તાલુકાના 17 આધારકાર્ડ કેન્દ્રોની યાદી જાહેર કરાવી હતી. તંત્રએ એવું એલાન કર્યું હતું કે આ 17 આધારકાર્ડ કેન્દ્રોમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ યાદી જાહેર કરવામાં તંત્રએ ઉતાવળ કરી હોય કાચું કપાયું હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે આ પૈકીના 5 કેન્દ્રોમાં હજુ પણ કામગીરી બંધ જ છે. જેમાં ત્રાજપર ગ્રામ પંચાયતે કીટ છે પણ ઓપરેટરનું આઇડી એક્ટિવ નથી. શક્ત શનાળા ગ્રામ પંચાયતમાં ટેક્નિકલ પ્રશ્ન છે. ખાખરાળા ગ્રામ પંચાયતમાં ઓપરેટરે આધારકાર્ડ ઓપરેટરની પરીક્ષા આપેલ નથી. જેતપર પોસ્ટ ઓફિસમાં ટેક્નિકલ સમસ્યા છે. ઉપરાંત શક્ત શનાળા પોસ્ટ ઓફિસમાં પણ ટેક્નિકલ સમસ્યા છે. આમ આ 5 કેન્દ્રોમાં તંત્રએ આધારકાર્ડની કામગીરી ચાલુ હોવાની જાહેરાત કરી છે પણ હકીકત એ છે કે ત્યાં કામગીરી હજુ ચાલુ થઈ નથી.