મોરબી : મોરબી નજીક નેશનલ હાઈવે પર જાંબુડિયા અંડરબ્રિજ પાસે કલાકોથી ટ્રાફિકજામ સર્જાયો છે. સવારે 11 વાગ્યાથી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે. મળતી વિગત પ્રમાણે નેશનલ હાઈવે પર શક્તિ ચેમ્બર, લાલપર, શૈલેષ ટાંકા પાસે કટ બંધ કરી દેવાથી આ ટ્રાફિક સર્જાયો હોવાનું લોકો કહી રહ્યા છે. કેમ કે કટ બંધ કરીને તંત્ર દ્વારા ડિવાઈડર મૂકી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને ફરીને જવું પડી રહ્યું છે.તંત્ર દ્વારા પાંચેક દિવસ પહેલા કટ બંધ કરીને કામચલાઉ ડિવાઈડર મૂકી દેવામાં આવ્યા હોવાથી ફરજિયાત વાહનચાલકોને ફરીને જાંબુડિયા અંડરબ્રિજ નીચેથી જ પસાર થવું પડી રહ્યું છે. જો કે બ્રિજ નીચે આવવા-જવાનો એક જ રસ્તો હોવાથી વાહનો સામ સામે આવી જાય છે અને જેના કારણે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી આ પ્રકારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. જેના કારણે વાહનચાલકોના સમય અને નાણાનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી વાહનચાલકો માગ કરી રહ્યા છે.