ગુજરાત સરકારના પાયલોટ પ્રોજેકટમાં મોરબીનો સમાવેશ : મોરબી જિલ્લામાં 6000 પશુઓનો વીમો ઉતારવામાં આવશેમોરબી : પશુપાલકો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રથમ વખત જ પશુધનનો વિમો ઉતારવામાં આવશે જેમાં પશુપાલક પાસેથી રૂપિયા 100 વીમા પ્રીમિયમ લઈ બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવશે અને પશુના આકસ્મિક મૃત્યુ બાદ પશુની કિંમત મુજબ વીમા રાશિ ચુકવવામાં આવશે, સરકારના આ પ્રોજેકટમાં મોરબી જિલ્લામાં 6000 પશુઓનો વીમો લેવાનો લક્ષ્યાંક અપાયો છે.ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન અંતર્ગત રીસ્ક મેનેજમેન્ટ અને ઇન્શ્યોરન્સ યોજના હેઠળ પશુપાલક લાભાર્થીને પોતાના દેશી, શંકર ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ખચ્ચર, ઊંટ, પાડો, ખૂટ, ઘેટા, બકરા, ડુક્કર, સસલા, વિગેરે જેવા પશુઓના વીમા લેવા માટે વીમા પ્રીમિયમ પર 85% સહાય મળવા પાત્ર છે. જેમાં પશુપાલક પાસેથી માત્ર રૂપિયા 100 વીમા પ્રીમિયમ લેવામાં આવશે અને બાકીનું પ્રીમિયમ પશુની કિંમત મુજબ સરકાર ચૂકવશે.રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં દરેક લાભાર્થી કુટુંબ દીઠ એકથી ત્રણ વેતરના વધુમાં વધુ ત્રણ દૂધાળા પશુઓને આવરી લેવા નક્કી કરેલ છે. રાજ્ય સરકારની આ યોજનામાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમા અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કરવામા આવ્યો છે. જેમાં હાલમાં પશુઓના વીમા માટે રજિસ્ટ્રેશન શરૂ થયું છે જે આગામી 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.સરકારની આ યોજનાના લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં મોરબી જિલ્લામાં 6000 પશુઓના વીમા લેવાં માટેના લક્ષ્યાંક સામે 42 અરજીઓ આવી છે જે પૈકી 18 પશુઓ માટેની છ અરજી ઇનવર્ડ થઈ હોવાનું જાણવા મળે છે.