હવે તાલુકા સેવા સદનમાં દરરોજ 100 જેટલા ટોકન ઇસ્યુ કરાશે, હજુ ત્રીજી કીટ પણ થોડા દિવસમાં શરૂ કરવામાં આવશે : આધારકાર્ડની કામગીરી સુવ્યવસ્થિત રીતે કરવા બેંકોને પણ સૂચનામોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને જિલ્લા કલેકટર એક્શનમાં આવ્યા છે. તેઓએ આજથી અહીં બે કિટ શરૂ કરાવી દરરોજ 100 ટોકન નીકળે તેવી વ્યવસ્થા કરાવી છે.છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના સુધારા વધારા તેમજ રેશન કાર્ડમાં ઇ કેવાયસીને લઈને આધારકાર્ડ સેન્ટરો ઉપર લોકોનું ટ્રાફિક વધ્યું છે. ખાસ તાલુકા સેવા સદન ખાતે વહેલી સવારથી લોકો કતારો લગાવી દેતા હતા. દરરોજ 100થી 150 લોકો અહીં આવતા હતા. પણ ટોકન માત્ર 40 જેટલા લોકોને જ આપવામાં આવતું હોય અનેક લોકોને ધક્કા થતા હતા. જેને પગલે ગઈકાલે સાંજે જિલ્લા કલેકટર દ્વારા તમામ વિગતો મેળવીને લગત વિભાગને સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ મામલે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ મોરબી અપડેટ સાથે વાત કરતા જણાવ્યું કેતાલુકા સેવા સદનમાં આધારકાર્ડની બે કીટ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વીસીઇ પાસે તેમજ આઇસીડીએસ ,પોસ્ટ અને બેંકમાં પણ કીટ છે. જિલ્લામાં ક્યાં કેટલી કીટ છે તેની વિસ્તૃત માહિતી આજે જાહેર કરાશે એટલે એક જ જગ્યાએ લોકોને કતારમાં ઉભું રહેવું ન પડે. આજથી અહીં એવી વ્યવસ્થા ગોઠવાઈ છે કે દરરોજ 100 જેટલા ટોકન ઇસ્યુ થાય. બેંકોમાં પણ આધારકાર્ડની કામગીરી થાય તે માટે ગઈકાલે ફોન ઉપર સૂચના આપી દેવાઈ છે. આજે બેંકોના અધિકારીઓને રૂબરૂ પણ બોલાવ્યા છે. કોઈ અરજદારોને હાલાકી ન પડે તેની જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખશે. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે મોરબી સિટી મામલતદાર કચેરીમાં 2 કીટ કાર્યરત છે. બન્ને કિટોમાં દરરોજ 40 થી 50 જેવા ટોકન આપવામાં આવે છે. મોરબી તાલુકા સેવા સદનમાં એક કીટ હતી. આજથી બે કીટ ચાલુ થઈ ગઈ છે. બન્ને કિટમાં 50-50 એટલે કે 100 ટોકન અપાશે. વધારાની એક કીટ માટેનું પ્લાનિંગ ચાલુ છે. તે પણ આવી જશે એટલે તાલુકા સેવા સદનમાં 3 કિટથી કામગીરી થઈ શકશે.