મોરબી : આજરોજ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા કાંકરેજ દેવ દરબારના મહંત દ્વારા ગોસ્વામી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેના વિરોધમાં મોરબી જિલ્લાના ગોસ્વામી સમાજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કાંકરેજ તાલુકાના ગંગાપુરા ગામે થળી મઢ ખાતે પ.પૂ.મહંત 1008 જગદીશપુરીજી બાપુ 19-11-2024ના રોજ દેવલોક પામતા તા. 22-11-2024ના રોજ થળીમઢ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરવામાં આવી છે. કોઈપણ સંત, મહંત દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખીયાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દીધી છે. દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથે બેફામ વાણી વિલાસ કરીને આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વીડિયો જોઈ ખુબજ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે. જેથી આવી અશોભનીય અને અભદ્ર વાણીના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. તેમજ આ બાબતે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઈ છે. જેથી મહંત બળદેવનાથ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા માગ કરવામાં આવી છે.