જો બે દિવસમાં પાકને બીજું પાણ નહિ દેવાય તો ખેડૂતોમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાય જશે હળવદ : હળવદ અને માળિયા પંથકના 18 ગામોમાં બ્રાહ્મણી ડેમ હેઠળની કેનાલમાંથી મળતું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જો બે દિવસમાં પાકને બીજું પાણ નહિ દેવાય તો ખેડૂતોમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાય જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ અંગે વિગતો આપતા ધૂળકોટના ખેડૂત આગેવાન જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે બ્રાહ્મણી ડેમમાંથી 22ડી , 23 ડી અને 24 ડી કેનાલમાંથી અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. માળિયા અને હળવદ તાલુકાના 18 ગામના ખેડૂતો આ પાણી ઉપર નિર્ભર છે. તંત્ર દ્વારા પૈસા ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ પૈસા ભરવા સહિતની પ્રક્રિયાથી ઘણા ખેડૂતો વાકેફ નથી. ઉપરાંત લગત વિભાગની એક જ કચેરી છે. જ્યાં સ્ટાફની અછત સહિતની મુશ્કેલીઓ છે. આમ અનેક કારણોસર ખેડૂતોને હાલાકી છે. આ વિસ્તારમાં જીરું, ઘઉં, લસણ સહિતના પાકોને હવે બે દિવસમાં પાણી નહીં મળે તો નુકસાની જશે. માળિયાના વેજલપરના ખેડૂત મહેશભાઈએ જણાવ્યું કે છેલ્લા 6 દિવસથી પાણી બંધ છે. ખેડૂતોએ જીરા સહિતના પાકનું વાવેતર કરી નાખ્યુ છે. પહેલું પાણ દઇ દીધું છે. 10 દિવસમાં બીજું પાણ આપવું પડે છે. બીજું પાણ હવે બે દિવસમાં આપવું પડે છે. નહિતર પાકમાં ખૂબ નુકસાની જશે.