અગાઉ ચાર રૂમમાં બેસતી કચેરી એક જ રૂમમાં સમાવી દેવાતા ભારે ગીર્દી : દરરોજ 70થી 80 જેટલા દસ્તાવેજની નોંધણી થતી હોવા છતાં નક્કર વ્યવસ્થા ન ગોઠવાઈમોરબી : સીરામીક ઉદ્યોગને કારણે મોરબી શહેર અને જિલ્લામાં રિયલ એસ્ટેટમાં એકધારી તેજી વચ્ચે પણ સરકારના કમાઉ દીકરા જેવી સબ રજિસ્ટ્રાર કચેરીના રિનોવેશન કામગીરી દરમિયાન કચેરી માટે પૂરતી જગ્યા ફાળવવામાં ન આવતા સબ રજિસ્ટ્રાર કચેરીનો સ્ટાફ અને અહીં દસ્તાવેજ નોંધણી માટે આવતા અરજદારોને અગવડતા સાથે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ ચાર રૂમમાં બેસતી કચેરીને હાલમાં એક જ રૂમમાં ખસેડી દેવામાં આવતા ઘમાંઘમીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.મોરબી શહેરમાં હાલમાં દરરોજ 70થી 80 જેટલા દસ્તાવેજની નોંધણી થાય છે અને મહિને દહાડે 2000થી વધુ દસ્તાવેજની નોંધણી સાથે સરકારને લાખો રૂપિયાની આવક થતી હોવા છતાં સબ રજિસ્ટ્રાર કચેરી માટે સારી વ્યવસ્થા ન થતા હાલમાં ચાર રૂમમાં બેસતી સબ રજિસ્ટ્રાર કચેરીનું રૂપિયા 35 લાખના ખર્ચે રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે, અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થતા હાલમાં મોરબીમાં માત્ર એક જ રૂમમાં સબ રજિસ્ટ્રાર કચેરીને સમાવી દેવામાં આવી છે જેમાં 10 કોમ્પ્યુટર રાખવા આવતા બાકીનો સ્ટાફ ક્યાં બેસે અને અરજદારોને ક્યાં સમાવવા તે મોટો પ્રશ્ન છે.ઉલ્લેખનીય છે કે, સરકારના કમાઉ દીકરા જેવી મોરબી જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરી માટે સરકારે નવી કચેરી માટે જમીનની ફાળવણી કરી છે પરંતુ કચેરી નિર્માણ માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતા હાલમાં ચાર રૂમમાં લાંબા સમયથી કચેરી કાર્યરત છે જેમાં હવે રૂપિયા 35 લાખના ખર્ચે જૂની કચેરીનું રિનોવેશન કરવા નક્કી કરવામાં આવતા કચેરીના સ્ટાફને તેમજ અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.