જાણો.. કોણ હતા આ દેવી અને તેની કથામોરબી : હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે. કારતક મહિનાના વદ પક્ષની આ એકાદશી છે. જેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. પુરાણો મુજબ એકાદશી એક દેવી છે અને આ તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થયાં હતાં. આ કારણે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી એકાદશી વ્રતની શરૂઆત થઈ હતી.____________________________________________ઉત્પત્તિ એકાદશીની કથા સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો, જેનું નામ મુર હતું. એ દૈત્યે દેવતા સહીત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા. ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર! અમે તમામ દેવતા મુર દૈત્યથી દુઃખી થઇને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ. અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી પણ તમે કૃપા કરીને આ મહા દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો.” શંકરજી બોલ્યા : ”હે દેવેન્દ્ર! તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ.” ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચન સાંભળી ક્ષીર સાગરમાં ગયા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરતા હતા. ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહીત ઇન્દ્રે સ્તુતિ કરી : 'હે દેવોના દેવ! તમે સ્તુતિ કરવા યોગ્ય છો, તમને વારંવાર પ્રણામ છે. હે દૈત્યોના સંહારક! હે મધુસુદન! તમે અમારી રક્ષા કરો. હે જગન્નાથ! અમે સમસ્ત દેવ, દૈત્યોથી ભયભીત થઇને અમે તમારી શરણમાં આવ્યા છીએ. આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મુક્યા છે. અમે તમામ દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ. હવે તમે જ અમારી રક્ષા કરો.” દેવતાઓની આ કરુણા પૂર્ણ વાણી સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા : 'હે દેવતાઓ! તે કયો દૈત્ય છે, જેને દેવતાઓને જીતી લીધા છે?” ભગવાનના આ અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા : 'હે ભગવાન! પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક દૈત્ય હતો. આ દૈત્યની બ્રહ્મ વંશથી ઉત્પત્તિ થઇ હતી. એ દૈત્યનું નામ મુર છે. તેની રાજધાની ચંદ્રાવતી છે. એ નગરીમાં તે મુર નામનો દૈત્ય નિવાસ કરે છે. જેને પોતાના બલથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે. અને તમામ દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય, વરુણ, યમ, ચંદ્રમાં આદિને લોકપાલ બનાવ્યા છે. તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે. તેથી, તે બળવાન ભયંકર દૈત્યને મારી, દેવતાઓની તમે રક્ષા કરો .” ઇન્દ્રના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા : 'હે દેવતાઓ! હું તમારા શત્રુનો શીઘ્ર જ સંહાર કરીશ. હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ.” આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા. એ સમયે દૈત્યપતિ મુર અનેક દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યો હતો. યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રોને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ દેવતા દૈત્યોની આગળ ના ટકી શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા. જયારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના ઉપર અસ્ત્રશાસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્રશાસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા. આ યુદ્ધમાં અનેક દાનવ સદા માટે સૂઈ ગયા. પણ દૈત્યોનો રાજા મુર ભગવાનની સાથે યુદ્ધ કરતો રહ્યો. ભગવાન તેણે મારવા માટે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા, તે બધા તેમના તેજથી નષ્ટ થઇને પુષ્પની સમાન પડવા લગતા અને અનેક અસ્ત્રોશસ્ત્રોના પ્રયોગ કરવા છતા ભગવાન તેને જીતી ના શક્યા. ભગવાનએ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્યને ના જીતી શક્યા. અંતે શાંત થઇને વિષ્ણુ વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા. એ સમયે આડત્રીસ કોસ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી પ્રવેશ કર્યો. તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો અને ભગવાનને શયન કરતા જોઈને મને મારવા તૈયાર થઇ ગયો. તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચિર શત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઇ જઈશ.” એ સમયે ભગવાનના અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઇ અને દૈત્યની સામે આવી યુદ્ધ કરવા લાગી. તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ? તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો. થોડો સમય વીત્યા પછી એ કન્યા ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રોશસ્ત્રોના ટુકડેટુકડા કરી નાખ્યા. એ કન્યાએ એના રથને તોડી નાખ્યો. એ દૈત્ય તેની સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યો. તે કન્યા એ તેને મારીને મૂર્છિત કરી નાખ્યો. તેના ઊઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા. જયારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલ જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે – આ દૈત્યને કોણે માર્યો? ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી કે હે ભગવાન! આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થઇ આનો વધ કર્યો છે.” ભગવાન બોલ્યા : 'હે કન્યા, તેં આને માર્યો છે. તેથી, હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તે ત્રણે લોકના દેવતાઓને સુખી કર્યા છે. તું એકાદશીએ ઉત્પન્ન થઇ છે. તેથી, તારું નામ પણ “એકાદશી” થશે. તું મારા માટે હવે ત્રીજ, આઠમ, નોમ અને ચૌદશથી પણ અધિક પ્રિય છે. તારા વ્રતનું ફળ તમામ તીર્થોના ફળથી પણ મહાન હશે.” આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા. એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઇ ગઈ.____________________________________________