માળીયા મિયાણાના ત્રણ કુખ્યાત શખ્સોએ મોબાઈલ લૂંટી છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરી નાખી હતીમોરબી : મોરબીના હરિપર કેરાળા ગામની સીમમાં બે દિવસ પૂર્વે શ્રમિક યુવાનની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવાના બનાવમાં મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખી માળિયા મિયાણાના નામચીન ત્રણ શખ્સોને ઝડપી લઈ આરોપીઓ પાસેથી હત્યાનો ભોગ બનેલા યુવાનનો મોબાઈલ ફોન તેમજ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ કબ્જે કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના હરિપર કેરાળા ગામે આવેલ આઇકોલેક્સ કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રસિંઘ લક્ષ્મણસિંઘ ઉ.32 નામના યુવાનની બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખતા કારખાનના લેબર કોન્ટ્રકટરના ભાઈ કરનસિંઘ પ્રથમસિંઘ નાયક રહે.જાંબુડિયા મૂળ રહે.રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા મહત્વની કડીઓ મળી આવી હતી અને હત્યાને માળીયા મિયાણાના ત્રણ શખ્સોએ અંજામ આપ્યાનું સ્પષ્ટ બનતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.વધુમાં પોલીસે રહસ્યોના આંટાપાટા સર્જતી આ ઘટનામાં મોબાઈલ લૂંટવાના ઇરાદે આરોપી ઇસ્માઇલ સલેમાનભાઇ સખાયા,ઉ.20 રહે.માળીયા મિયાણા વાડા વિસ્તાર, અવેશ સુભાનભાઇ મોવર મિંયાણા ઉ.19, રહે. માળીયા ઇદ મસ્જીદ નજીક, માળીયા તેમજ આરોપી સાહિલ અબ્દુલભાઇ મોવર, ઉ.19 રહે.માળીયા વાડા વિસ્તાર વાળાને ગુન્હામાં ઉપયોગમાં લીધેલ બાઈક સાથે પકડી પાડી મૃતકના મોબાઈલ ફોન સહિત કુલ ચાર મોબાઈલ ફોન સાથે દબોચી લીધા હતા.વધુમાં પોલીસે જાહેર કર્યું હતું કે ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બાઈક તથા ફોરવ્હીલ ગાડી સાથે નીકળી મોરબીના અલગ અલગ ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રીના સમયે એકદ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાકધમકી આપી મોબાઈલ તથા રોકડ રકમ પડાવી લેવાની ટેવવાળા છે અને જો કોઇ મજુર તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ પોલીસે મોરબીના પ્રજાજનો, વેપારીઓ તથા મજુર વર્ગને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, મોડી રાત્રીના સમય દરમ્યાન કાચા રસ્તે તેમજ અવાવરૂ જગ્યાઓએ જતી વખતે પોતાની તથા પોતાની પાસેની કિંમતી ચીજવસ્તુઓ, રોકડ રકમ તથા મોબાઇલ ફોનની સાવચેતી રાખવી તેમજ અજાણ્યા વ્યકિતઓથી સાવધાન રહેવું.