માતા બીમાર હોવાથી 24 ટકા વ્યાજે 1 લાખ લઈ સાત દિવસમાં 1.08 લાખ પરત આપવા છતાં 5 લાખની માંગણી કરી માર માર્યોમોરબી : મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે ગ્રીનચોક નજીક આવેલ મંદિરના પુજારીએ માતાની બીમારીની સારવાર માટે હોથલ ફાયનાન્સ નામની પેઢી ધરાવતા વ્યાજખોર પાસેથી 1 લાખ રૂપિયા દસ દિવસે 8000 વ્યાજની શરતે વ્યાજે લઇ બાદમાં સાત જ દિવસમાં મૂડી અને વ્યાજ સહિત 1.08 લાખ પરત કરવા છતાં પાંચ લાખનું વ્યાજ ચૂકવવા પૂજારીને ઓફિસે બોલાવી બેફામ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.વ્યાજખોરીના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોકમાં આવેલ મંદિરની પૂજા કરતા પૂજારી ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામીના માતા બીમાર પડતા સારવાર માટે નાણાંની જરુર પડતા મિત્ર મારફતે બે મહિના પૂર્વે ચિરાગભાઈએ હોથલ ફાયનાન્સ નામની પેઢી ચલાવતા આરોપી શિવમ રબારી નામના શખ્સ પાસેથી રૂપિયા 1 લાખ દર દસ દિવસે 8 હજાર ચુકવવાની શરતે વ્યાજે લીધા હતા. બાદમાં સાત દિવસમાં જ એક લાખ મુદલ અને 8 હજાર વ્યાજ પરત ચૂકવી દીધું હતું.જો કે વ્યાજખોર શિવમ રબારીએ ચિરાગભાઈને ફોન કરી ઓફિસે આવવા કહેતા રવાપર રોડ ઉપર સેલના પંપે ચિરાગભાઈ જતા જ આરોપી શિવમ રબારી, હીરા રબારી તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ ચિરાગભાઈએ વ્યાજ અને મુદલ પરત આપી દીધા હોવા છતાં પાંચ લાખ વ્યાજ માંગી ગાલ ઉપર ફડાકા ઝીકી લાકડી વડે બેફામ માર મારતા ચિરાગભાઈને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વ્યાજખોરીની આ ઘટનામાં ચિરાગભાઈએ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.