યુદ્ધની સ્થિતિમાં ગેસની સપ્લાય ખોરવાઈ જાય તો તમામ યુનિટો બંધ થઇ જાય : સિરામિક ટાઈલ્સના એક્સપોર્ટને પણ માઠી અસર પહોંચવાની શક્યતા વ્યક્ત કરતા ઉદ્યોગકારોમોરબી : રશિયા - યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં હવે અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની મિસાઈલ સહિતની યુદ્ધ સામગ્રી આપી આડકતરું સમર્થન આપતા રશિયાએ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવા તૈયારી કરતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા શરૂ થયા છે, આ સ્થિતિમાં જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો મોરબીના સીરામીક ઉદ્યોગને સીધી જ માઠી અસરો પહોંચે તેવી દહેશત જોવાઈ રહી છે, સાથે જ યુદ્ધને પગલે ગેસની સપ્લાય ઠપ્પ થઇ જાય તેમ હોવાથી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ બંધ થઇ જાય તેમજ હાલમાં માંડ પાટે ચડેલી એકસપોર્ટની ગાડી પણ પાટા ઉપરથી નીચે ઉતરી જાય તેમ હોવાનું ઉદ્યોગકાર અગ્રણીઓ જણાવી રહ્યા છે.લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે જેમાં તાજેતરમાં અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની મિસાઈલ સહિતની યુદ્ધ સામગ્રી આપી બળતામાં ઘી હોમવા જેવું પગલું લેતા જ રશિયા ઉશ્કેરાયું છે અને નાટોના અન્ય દેશોના પણ ભવા ચડી ગયા છે જેથી ત્રીજા વિશ્વયુઘ્ધના ભણકારા વાગી રહ્યા છે, આ સંજોગોમાં હજુ પણ પરિસ્થિતિ વણસે તો મોરબીના સીરામીક ઉદ્યોગને સીધી જ અસર પહોંચી શકે તેમ હોવાની દહેશત સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ વ્યક્ત કરી હતી. મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, યુદ્ધ વકરે તો સૌથી મોટી અસર ગેસની સપ્લાય ઉપર થાય કારણ કે, હાલમાં મોરબીના તમામ સીરામીક ઉદ્યોગ આયાતી ગેસ ઉપર નિર્ભર છે. આ સ્થિતિમાં જો ગેસની સપ્લાય ખોરવાઈ જાય તો સીરામીક ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થાય.ઉલ્લેખનીય છે કે, યુક્રેન - રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની સાથે ઈઝરાઈલ અને હમાસ તેમજ ઈરાન વચ્ચે બગડેલા સંબંધોને કારણે લાંબા સમય સુધી મોરબીના એક્સપોર્ટને અસર થઇ હતી ત્યારે ફરીથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયા બાદ ત્રીજા વિશ્વયુઘ્ધના ભણકારા જોતા આગામી સમયમાં મોરબીના સીરામીક એક્સપોર્ટને પણ માઠી અસર પહોંચવાની શક્યતા સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ વ્યક્ત કરી હતી.વિશ્વભરમાં સપ્લાય ચેઇન ખોરવાઈ જાય : નિલેશભાઈ જેતપરીયા રશિયા- યુક્રેન વચ્ચે ચાલતા લાંબા સમયથી યુદ્ધ બાદ હવે ત્રીજા વિશ્વયુઘ્ધના ભણકારના સંકેતો જોતા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને મોટાગજાના એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું હતું કે, જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો માત્ર સીરામીક ઉદ્યોગને જ નહીં બલ્કે વિશ્વભરમાં સપ્લાય ચેનને માઠી અસર પડી શકે, હાલમાં ભારત સહિતના વિકસિત રાષ્ટ્રોમાં મંદીની અસર વચ્ચે ત્રીજુ વિશ્વ યુદ્ધ વિનાશકારી પરિણામો લાવી શકે તેમ હોવાનું તેમને જણાવ્યું હતું.