ઓરિસ્સાના વતની યુવાને 6.33 લાખના 17.52 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી ચેક પડાવી લીધામોરબી : મોરબીમાં વ્યાજખોરો બેફામ બનતા પોલીસે અનેક વ્યાજખોરોને પાસા હેઠળ જેલભેગા કરવા છતાં પણ વ્યાજખોરીનું દુષણ અટક્યું નથી ત્યારે મોરબીના રોજી રોટી કમાવા આવેલા ઓરિસ્સાના યુવાને ઘર ખરીદવા ગારમેન્ટના વેપારી પાસેથી કટકે કટકે 6.33 લાખ વ્યાજે લઈ બાદમાં 17.52 લાખ ચૂકવવા છતાં વ્યાજંકવાદીએ યુવાનનો પીછો નહિ છોડી બળજબરીથી ચેક લખાવી લઈ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર શાંતિવન સોસાયટીમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની રાકેશભાઈ ગોવર્ધનભાઈ પેંથોઈ ઉ.29 નામના યુવાને મોરબીના ચકિયા હનુમાનજી મંદિર પાસે ગારમેન્ટની દુકાન ધરાવતા આરોપી જયેશભાઇ વિનોદભાઈ કાનાબાર વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પિતરાઈ ભાઈને ઘરનું ઘર લેવું હોય રાકેશભાઈએ અગાઉ પોતાના માટે લોન લીધી હોવાથી પરિચયમાં આવેલ કુલદીપભાઈનો સંપર્ક કરતા કુલદીપભાઈએ આરોપી જયેશ વિનોદભાઈ કાનાબાર સાથે ફરિયાદી રાકેશભાઈનો પરિચય કરાવ્યો હતો.બાદમાં રાકેશભાઈએ જૂન 2023મા જય ગારમેન્ટ વાળા જયેશ વિનોદ કાનાબાર પાસેથી પ્રથમ બે લાખ રૂપિયા 48 ટકા વ્યાજે અને બાદમાં 4.33 લાખ મળી કુલ 6.33 લાખ 48 ટકા વ્યાજે લઈ આરોપી જયેશને બેન્ક મારફતે તેમજ રોકડેથી રૂપિયા 17.52 લાખ ચૂકવી દેવા છતાં આરોપી જ્યેશે ફરિયાદીના ઘેર જઈ અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વ્યાજખોરીના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.