સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં મુહૂર્ત : વિક્રમ સંવત 2081માં લગ્નના મુહૂર્ત વિશે મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાએ આપી સંપૂર્ણ માહિતીમોરબી : વિક્રમ સંવત 2081ના નવા વર્ષમાં દેવદિવાળી બાદ લગ્નની સિઝન શરૂ થઈ ચુકી છે. ત્યારે વર્ષ 2024ના અંત એટલે કે નવેમ્બર-ડિસેમ્બર અને વર્ષ 2025માં કુલ કેટલા લગ્નના મુહૂર્તો છે અને કઈ કઈ તારીખોમાં લગ્નના શુભ મુહૂર્તો છે તે વિશે મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પાસેથી જાણીશું. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાએ વિક્રમ સંવત 2081માં લગ્નના મુહૂર્તોને લઇને જરૂરી માહિતી આપી છે.જીજ્ઞેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિક્રમ સંવત 2081માં કૂલ 83 લગ્નના મુહૂર્તો છે. પહેલા બુધવાર અને બારસ બન્ને ભેગું હોય તે દિવસે કન્યા વિદાય કરવામાં આવતી ન હતી. પરંતુ હવે આ વસ્તુને કોઈ ધ્યાને લેતું નથી અને આવા દિવસોમાં પણ કન્યાની વિદાય કરી દેવામાં આવે છે. તો આ વર્ષે બુધવાર અને બારસ બન્ને ભેગું હોય તેવા કૂલ 20 મુહૂર્તો છે. તેથી આ દિવસે પણ કન્યાને વિદાય આપી શકાશે. આ વર્ષે 12 નવેમ્બરના રોજ દેવદિવાળી બાદ લગ્ન ગાળો શરૂ થશે, જે જૂન 2025 સુધીના મુહૂર્તો મળી રહ્યા છે. સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં મુહૂર્ત છે.આ વર્ષે પહેલું મુહૂર્ત 16 મી નવેમ્બરે છે. ત્યારબાદ નવેમ્બરમાં 16 થી 22 નવેમ્બર અને 23 થી 27 નવેમ્બર સુધીના મુહૂર્ત છે, તે પછી ડિસેમ્બર મહિનામાં તારીખ 2 થી 7 અને 11, 12 અને 14 તારીખના મુહૂર્ત છે. જો કે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમુહૂર્તાઓનો પ્રારંભ થશે. જે ગાળામાં કોઈ લગ્ન મુહૂર્ત નથી.14 જાન્યુઆરી બાદ ફરી લગ્ન ગાળાનો પ્રારંભ થશે. જેમાં જાન્યુઆરી માસમાં 16, 17, 19, 21, 22, 24, 26, 30 તારીખના મુહૂર્ત છે, જ્યારે ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે મુહૂર્ત છે. જેમાં જોઈએ તો 3, 4, 6, 7 અને 12 થી 17 અને 20 થી 23 અને 25 ફેબ્રુઆરી સુધીના મુહૂર્ત છે જ્યારે માર્ચ મહિનામાં માત્ર 2 જ 1 થી 3 માર્ચ સુધીનાં મુહૂર્ત છે.14 માર્ચ 2025 થી 14 એપ્રિલ 2025 સુધી મીનારક હોવાથી કોઈ મુહૂર્ત નથી. ત્યારબાદ એપ્રિલ માસમાં 16, 18, 19, 20, 21, 22, 25, 29 અને 30 તારીખના રોજ મુહૂર્ત છે, જ્યારે મે મહિનામાં 1, 5, 6, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 20, 23 અને 24 એમ સૌથી વધારે મે મહિનામાં મુહૂર્ત છે. જ્યારે જૂન મહિનામાં 1, 2, 5 અને 6 તારીખના મુહૂર્ત છે. 12 મી જૂનથી 7 જુલાઈ સુધી ગુરુ અસ્ત હોવાથી મુહૂર્ત મળતું નથી. ગુરુ અને શુક્ર અસ્ત હોય ત્યારે લગ્નના મુહૂર્ત મળતા નથી. જો કે, ત્યારબાદ 6 જુલાઈથી દેવઉઠી એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ થવાથી મુહૂર્ત મળશે નહીં. આ વખતે વસંત પંચમીએ લગ્નનું મુહૂર્ત નથી!લગ્ન ગાળાની સિઝનમાં વસંત પંચમીના લગ્નને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ વર્ષ 2025 માં વસંત પંચમીએ લગ્ન શક્ય નથી. 2025માં વસંત પંચમી 2 ફેબ્રુઆરીના રોજ છે. જો કે તે સમયે તિથિનો ક્ષય હોવાથી લગ્નનું મુહૂર્ત મળતું નથી, કારણ કે, શાસ્ત્રના નિયમ પ્રમાણે ક્ષય વાળી તિથિમાં લગ્નના મુહૂર્તને સારું ગણવામાં આવતું નથી. આથી વસંત પંચમી કોઈ લગ્નનું મુહૂર્ત નથી.