અગાઉ બે વર્ષ પૂર્વે પણ આવો જ બનાવ બન્યો હતો, જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતાહળવદ : હળવદના ટીકર રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર હોય તેઓની હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ટિકર ગામના અગરિયા પરિવારો અત્યારે મીઠાની સિઝન હોવાથી રણમાં ગયા હતા. ત્યાં કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા ઉ.વ.30 રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિ સાગર અમરશી રાણેવાડિયા ઉ.વ. 25 રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા ઉ.વ.25ની હાલત ગંભીર હોય શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દોઢેક વર્ષ પહેલાં પણ ટીકર રણમાં આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પણ ગેસ ગળતર થતા ત્રણ લોકોના જીવ ગયા હતા.