સર્વે પિતૃઓના મોક્ષાર્થે એવન્યુ પાર્ક ખાતે 24 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી યોજાશે કથામોરબી : મોરબીના બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા મોરબીના એવન્યુ પાર્ક ખાતે વર્ષના મહત્વના ધાર્મિક કાર્યક્રમ તરીકે સર્વે પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌશાળાના લાભાર્થે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના મુખ્ય યજમાન પદે મનોરથી વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા તેમજ તેમનો પરિવાર રહેશે. શ્રીમદ્દ ભાગવત કથાના વ્યાસાસને વક્તા શાસ્ત્રીજી કિશોરઅદા પાઠક બિરાજી પોતાની આગવી શૈલીમાં ભક્તોને આધ્યાત્મિક કથાનું અમૃત રસપાન કરાવશે.શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આવતા પાવન પ્રસંગોમાં પ્રથમ દિવસે તા.24 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યે પોથીયાત્રા વિશ્વકર્મા સોસાયટી, વિશ્વેશ્વર મહાદેવ મંદિરથી વાજતે ગાજતે નીકળી કથા મંડપ સુધી પહોંચશે. આ સાથે દેહશુદ્ધિ, ગણપતિ પૂજન તથા ભાગવત મહાત્મય, તા. 25 નવેમ્બરના કપીલમુની જન્મ, તા. 26 નવેમ્બરના રોજ નૃસિંહ પ્રાગટય, તા.27 નવેમ્બરના રોજ કથાના ચોથે દિવસે ભગવાન વામન જન્મ, બપોરે 12 કલાકે રામજન્મ, સાંજે 5 કલાકે કૃષ્ણ જન્મ-(નંદ મહોત્સવ), તા.28 નવેમ્બરના રોજ પાંચમે દિવસે સાંજે 5 કલાકે ગોવર્ધન પૂજા, તા.29 નવેમ્બરના રોજ છઠ્ઠા દિવસે સાંજે 5 કલાકે રુક્મિણી વિવાહ, તા.30 નવેમ્બરના રોજ કથામાં સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષના પ્રસંગ બાદ કથા પુર્ણાહુતિ યોજાશે.આ ભાગવત કથા સવંત 2081 ને કારતક વદ નોમ રવિવાર તા.24મી નવેમ્બરથી આરંભ થશે અને કારતક વદ અમાસને શનિવાર તા. 30મી નવેમ્બરે ભાગવત કથા વિરામ લેશે. ભાગવત કથાનો સમય દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 12 સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથાનું આયોજન મોરબી એવન્યૂ પાર્ક, ગરબી ચોક ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં ભાવિક ભક્તો આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઇને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી શકે છે. ત્યારે ભાગવત કથાના મુખ્ય યજમાન મનોરથી વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા તથા બહુચર આનંદ ગરબા મંડળના પ્રમુખ પૂર્વીબેન નરેન્દ્રભાઈ મહેતા તરફથી સર્વ ધર્મપ્રેમી જનતાને આ ભાગવત કથાનું શ્રવણ કરવા તેમજ આ મહાયજ્ઞમાં સાથ સહકાર સાથે જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી અને સંપર્ક માટે મો.નં. 7284000538 અને 9099325387 સંપર્ક કરવા જણાવાયું છે.