ક્રાઇમબ્રાન્ચે મોરબીના જ ચાર આરોપીઓને પકડી પાડયા, રોકડ સહિતનો મુદ્દામાલ રિકવરમોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી ફાયનાન્સ કંપનીની ઓફિસના અને તિજોરીના તાળા ખોલી રૂપિયા 7 લાખથી વધુની ચોરી કરવાના બનાવમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખી બેંકના બ્રાન્ચ ઓપરેશન મેનેજર સહિતના બે કર્મચારી સહિત ચાર આરોપીઓને સકંજામાં લઈ ચોરીમાં ગયેલ તમામ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ કામ લાગ્યા હતા.મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમા આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પેઢીની ઓફિસમાંથી ગત તા.15ની મોડીરાત્રીના સમયે મોઢા ઉપર બુકાની બાંધીને આવેલ તસ્કર પેઢીની ઓફિસના તેમજ તિજોરીના તાળા ચાવી વડે ખોલી રૂપિયા 7, 01,500ની રોકડ રકમ ચોરી કરી જતા ફાયનાન્સ કંપનીના મેનેજર જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.ભૂમિ ટાવર પાછળ વાવડી રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનામાં ચાવી વડે તાળા ખોલી ચોરીને અંજામ આપ્યો હોય આ ઘટનામાં જાણ ભેદુએ હાથ માર્યાના અણસાર વચ્ચે મોરબી ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી તેમજ નેત્રમ પ્રોજેક્ટના ફુટેજથી અંકોડા મેળવવાની સાથે બતમીદારોને કામે લગાડતા આ બનાવમાં ચાર આરોપીઓ ઓળખાય ગયા હતા.વધુમા મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરીના આ બનાવમાં મોરબીના દરબાર ગઢ નજીક નાગનાથ શેરીમાં રહેતા મયુર ઈશ્વરભાઈ કોટવાલ, વરુણ મનસુખભાઇ ડોડીયા, અભિષેક કિશોરભાઈ દેવમુરારી અને ફાયનાન્સ કંપનીના બ્રાન્ચ ઓપરેશન મેનેજર જય ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી મોરબી વાળાને પકડી પાડી આરોપીઓના કબ્જામાંથી 7,01,500, મોબાઈલ ફોન નંગ 4 કિંમત રૂપિયા 60 હજાર, બાઈક કિંમત રૂપિયા 40,000, ટોપી, હાથ રૂમાલ, કાળું કપડું તેમજ પાંચ ચાવી સહિત કુલ 8, 01,500 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.ફાયનાન્સ ઓફિસની ડુપ્લીકેટ ચાવી બનાવી લઈ ચોરીને અંજામ આપ્યોપોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓએ કબુલ્યું હતું કે, ફાયનાન્સ કંપનીના કામ કરતા જય અને અભિષેકે ઓફિસની ડુપ્લીકેટ ચાવી બનાવી લઈ આરોપી મયુર અને વરુણની મદદથી ઓફિસના અને તિજોરીના તાળા ડુપ્લીકેટ ચાવીથી ખોલી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલી મોરબી પોલીસે કોઈપણ વ્યક્તિને કામે રાખતા પહેલા સાવધાની રાખવા તેમજ ચાવી સહિતની મહત્વની વસ્તુઓ ન આપવા પણ અનુરોધ કર્યો હતો.