ટંકારાના લજાઈ નજીક રોડ ઉપર ઊભેલા બે મિત્રોને કાર ચાલકે હડફેટે લેતા એકનું મૃત્યુ

- text


અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ નજીક મિત્રની બંધ પડેલી કાર લેવા ગયેલા મિત્રને કિયા કાર રૂપી યમરાજ ભટકી જતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પાંચ દિવસ પૂર્વે બનેલી અકસ્માતની આ ઘટના અંગે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ફોટો ફ્રેમ બનાવવાનો વ્યવસાય કરતા ફરિયાદી કુલદીપભાઈ કીર્તિભાઈ છગાણીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14ના રોજ તેઓ રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે ટંકારાના લજાઈ પાસે મધુવન ગ્રીન નજીક તેમની આઈ-10 કાર બંધ પડી જતા કાર રસ્તાની સાઈડમાં મૂકી તેઓ મોરબી ચાલ્યા ગયા હતા.

- text

બાદમાં તા.15ના રોજ સાંજના સમયે ફરિયાદી કુલદીપભાઈ તેમના મિત્ર વિકાસ નરેશભાઈ ચંદવાણીની સિયાઝ કાર લઈ ગેરેજ સંચાલક કૌશિકભાઈને લઈ બંધ પડેલી કાર લેવા માટે લજાઈ ગયા હતા જ્યા ગેરેજવાળા કૌશિકભાઈએ કાર ચાલુ કરી કારને ગેરેજ લઈ ગયા હતા અને કુલદીપભાઈ તેમજ મિત્ર વિકાસભાઈ રોડ ઉપર ઉભા હતા ત્યારે અચાનક જીજે – 10 – ડીઆર – 1745 નંબરની કારનો ચાલક પુરઝડપે ધસી આવ્યો હતો અને બન્ને મિત્રોને તેમજ સિયાઝ ગાડીને હડફેટે લઈ બન્ને મિત્રોને રોડ ઉપર ફંગોળી દીધા હતા. આ અકસ્માતમાં વિકાસભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ લઈ જતા સારવારમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text