ટંકારા સહિતની 14 પાલિકામાં વિકાસ માટે 254 કરોડના કામોને મંજૂરી આપતા મુખ્યમંત્રી

- text


સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરોની આગવી ઓળખ, આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા કરોડોના કામ મંજુર

જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, પાટણ, વેરાવળ, બોટાદ, પોરબંદર-છાયા તેમજ ચોરવાડ-ટંકારા પાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે લાભ

રાજકોટ : રાજ્યના વધતા શહેરીકરણના પડકારોને તકમાં પલટવા ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ ૨૦૧૦થી શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૬-૨૭ સુધી લંબાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર ટંકારા સહિત ૧૪ નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

નગરો-મહાનગરોમાં લોક સુવિધા-સુખાકારીના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.જેમાં જસદણ નગરપાલિકાને ભાદર નદી પર રિવરફ્રન્ટના આગવી ઓળખના કામ માટે રૂ. ૬ કરોડ, હાલોલ નગરપાલિકામાં ટાઉનહોલ નિર્માણ માટે રૂ. ૧૦.૨૯ કરોડ અને વિરમગામ નગરપાલિકામાં રોડ વાઈડનીંગ અને નવીન ફોર્ટ વોલ માટે રૂ. ૮.૬૪ કરોડના કામોની મંજૂરી આપી છે. જુનાગઢ મહાનગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉનહોલ તેમજ નરસિંહ વિદ્યા મંદિર બિલ્ડીંગ હેરિટેજના કામ માટે ૪૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીએ પારડી નગરપાલિકાને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂપિયા ૨૫.૨૯ કરોડ તથા પાટણ નગરપાલિકાને આ જ પ્રકારના કામો માટે રૂપિયા ૨૫.૫૨ કરોડ મંજૂર કર્યા છે. વેરાવળ-પાટણ નગરપાલિકાને સોમનાથ ટ્રસ્ટ એરીયા અને વેરાવળ પાટણના બાકી રહેતા વિસ્તારો માટે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામો માટે રૂ. ૨૬.૬૯ કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે. ઉપરાંત તેમણે કરમસદ નગરપાલિકાને રૂ.૨૪.૫૪ કરોડ, ઉમરગામ નગરપાલિકાને રૂ.૧૪.૯૩ કરોડ તથા બિલીમોરા નગરપાલિકાને રૂ.૯.૧૧ કરોડ ભૂગર્ભ કરોડ યોજના માટે મંજૂર કર્યા છે.

- text

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો હેઠળ બોટાદ નગરપાલિકાને સી.સી. રોડ બનાવવાના ૬૦ કામો માટે રૂ. ૫.૯૪ કરોડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પોરબંદર-છાયા નગરપાલિકા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી પીવાના પાણીની પાઇપલાઇન, સી.સી. રોડ અને LED સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૫૩.૬૮ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતાં ૨.૧ કિ.મી. લંબાઇના NHAIના રોડના નવીનીકરણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રૂ. ૨.૫૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે ટંકારા અને વાઘોડિયા નગરપાલિકાને ચોમાસામાં વરસાદના કારણે નુક્શાન પામેલા રસ્તાઓના રિસર્ફેસીંગ-રીપેરીંગ માટે ૮૦ લાખ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે.આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૬૧,૯૭૭ કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે.

આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના ૬૭,૩૬૦ કામો મંજૂર કરીને રૂ. ૩૨,૬૪૭ કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે .મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ ૬૪૬૨ કામો માટે રૂ. ૩૧૧૦.૩૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે.આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના ૧૨૧૪ કામો માટે રૂ. ૧૮૮૭.૫૬ કરોડ ચૂકવવામાં આવેલા છે.

- text