- text
રાજકોટથી રાપર કુળદેવી માતાજીના દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો
મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા તાલુકાના હરિપર ઓવરબ્રિજ ઉપર રાજકોટના પરિવારની વેગનઆર કારને મહિન્દ્રા એસયુવી કારના ચાલકે પાછળથી ટક્કર મારતા રાજકોટના મહિલાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના રૈયા ગામના શાંતિનગરમાં રહેતા ધર્મેશભાઈ હર્ષદભાઈ ગોરસિયા ઉ.34 નામનો યુવાન પોતાની જીજે -03 – એચકે – 2512 નંબરની વગનઆર કારમાં તા.4ના રોજ તેમના પત્ની, બાળકી અને કાકી સાથે રાપર ગામે આવેલ કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરી બાદમાં કબરાઉ ધામથી પરત રાજકોટ જતા હતા ત્યારે માળીયા મિયાણા તાલુકાના હરિપર ઓવરબ્રિજ ઉપર જીજે – 01 – ડબ્લ્યુએસ – 3528 નંબરની મહિન્દ્રા એસયુવી કારના ચાલક નિર્ભય બાલમુકુંદ ઠક્કર રહે.અમદાવાદ વાળાએ કારમાં પાછળથી જોરદાર ટક્કર મારતા વેગનઆર કારમાં બેઠેલા જયશ્રીબેનને કમરના મણકામાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને કારમાં નુકશાન થયુ હતું. અકસ્માતની આ ઘટના અંગે ધર્મેશભાઈએ એસયુવી કારના ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text
- text