માળિયા (મિયાણા) : તાલુકાના બગસરા ગ્રામ પંચાયત દ્વારા એસટી બસ લંબાવવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી જે અંતે તંત્રએ ધ્યાને લેતા બગસરા સુધી બસનો રૂટ લંબાવવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી પ્રમાણે મોરબી રૂટની એસટી બસ ભાવપર સુધી આવતી હતી. આ બસ સવારે 10 વાગ્યાની આસપાસ અને બપોર બાદ એમ દિવસમાં બે વખત આવતી હતી અને એક જુના રૂટની બસ સવારે 8 વાગ્યા આસપાસ આવતી હતી. આ બસ બગસરા સુધી લંબાવવામાં આવતા ગામના વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતાં લોકોને ખાસ ફાયદો થશે. મહત્વનું છે કે, બસનો રૂટ લંબાવવા અંગે બગસરા ગ્રામ પંચાયત દ્વારા ડેપો મેનેજરને અનેક વખત રજૂઆત કરી હતી. ત્યારે આ બસનો રૂટ બગસરા સુધી લંબાવાતા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા, ઉપસરપંચ જલ્પાબેન જયેશભાઈ વાઘેલા, જાગૃત સભ્ય કેશવજીભાઈ અમરશીભાઈ પીપળીયા, ગામના અગ્રણી રાયસંગભાઈ લખમણભાઈ વાઘેલા, કાનજીભાઈ નાગજીભાઈ પીપળીયા સહિત ગ્રામજનોએ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરનું મોં મીઠું કરાવ્યું હતું અને ડેપો મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો.