જુના રાજા-રાણી છાપ અને ચાંદીના સિક્કાઓ તથા ચલણનું પુજન કરાઈ છે : સોના-ચાંદીની ખરીદી કરવાનો પણ મહિમાઆર્યુવેદ ચિકિત્સા વિજ્ઞાનના દેવતા ધન્વંતરીનું પ્રાગટ્ય દિવસ : સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ મહત્વમોરબી : ધન તેરસ એટલે ધનની પુજાનો દિવસ. શુકનવંતી અને મંગલકારી દેવી લક્ષ્મીની આરાધના કરવાનો દિવસ એટલે ધન તેરસ. લક્ષ્મીજી દેવીનું સ્વરૂપ છે. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલે નહિ. કળિયુગમાં તો ધનના ઢગલા કરવા આંધળી દોટ મુકાય છે. ધનતેરસ બે શબ્દો ‘ધન’ અને ‘તેરસ’થી બનેલો છે જેનો અર્થ થાય છે તેર ગણી સંપત્તિ. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, દેવી લક્ષ્મી અને કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસ પર વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી.આ દિવસે ચાંદીની ખરીદી કરવાથી ઘર અને મનમાં શીતળતાનો વાસ થતો હોવાનું માનવામાં આવે છે. ધનતેરસ એ દિવાળીના પંચ પર્વોત્સવનો પ્રત્યક્ષ રીતે પહેલો દિવસ છે. ધન તેરસે ધનધાન્ય અને સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ મહત્વ છે. લંકાના રાજા રાવણે કુબેરની સાધના કર્યા બાદ સોનાની લંકા પ્રાપ્ત કરી હતી એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.નાણાની પૂજાજુના રાજા-રાણી છાપ સિક્કાઓ અને ચાંદીના સિક્કાઓ તથા ચલણનું પુજન કરવામાં આવે છે. લોકો ધનની પુજાની સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારી મંગલ લક્ષ્મીની કામના કરે છે. પૂજા કરેલા સિક્કા તિજોરીમાં રાખવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે. આજના મોડર્ન સમયમાં લોકો લક્ષ્મીજીની પૂજામાં ઇ પોકેટ, એ.ટી.એમ. કાર્ડ તથા પાનકાર્ડની પણ પૂજા કરે છે. ધનતેરસના પૂજન કરવામાં આવેલા રોકડા નાણા બાળકો તથા નાની બાલીકાઓને આપવાની પણ પ્રથા જોવા મળે છે.ધન્વંતરીનો અવતારધનતેરસના દિવસે આર્યુવેદ ચિકિત્સા વિજ્ઞાનના દેવતા ધન્વંતરીનું અવતરણ થયું હતું. આથી, આયુર્વેદના ચિકિત્સકો માટે પણ મહત્વનો દિવસ છે. સમુદ્ર મંથનમાંથી ધન્વંતરી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કુંભ હતો. આથી, ધનતેરસે વાસણ કે ચાંદીની વસ્તુ ખરીદવાથી સંપતિમાં ૧૩ ગણો વધારો થતો હોવાની પણ માન્યતા છે.શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ભગવાન ધન્વંતરી હાથમાં વાસણ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરીને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે. તેમણે જ વિશ્વમાં તબીબી વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. આ દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.