ઘુંટુ ગામના તલાટી મંત્રીને ટીડીઓ છાવરતા હોવાની પંચાયતના સભ્યની ફરિયાદ

- text


ફરજમાં બેદરકારી દાખવનાર તલાટી મંત્રી સામે ટીડીઓએ પગલાં ન લીધા હોવાની ડીડીઓને ફરિયાદ

મોરબી : મોરબીના ઘુંટુ ગામના તલાટી મંત્રી ફરજમાં બેદરકારી દાખવતા હોવા છતાં આ અંગે ટીડીઓ દ્વારા તલાટી મંત્રી સામે કોઈ પગલાં લેવાયા ન હોય અને ટીડીઓ તલાટી મંત્રીને છાવરતા હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય મિલનભાઈ સોરીયાએ જિલ્લા વિકાસ અધિકારીને કરી છે.

મિલનભાઈ સોરીયાએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ઘુંટુ ગામના તલાટી મંત્રી ફરજમાં બેદરકારી દાખવી રહ્યા છે. સવારે 10 થી 12 સુધી જ પંચાયત કચેરીમાં હાજર રહે છે. તેમજ જે દિવસે ગેરહાજર રહેવાના હોય તે દિવસે પંચાયતને જાણ કરતાં નથી. જેના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ તલાટી પંચાયતના સભ્ય સાથે ગેરવર્તણૂક કરે છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને 21 જૂન 2024ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જેથી તાલુકા વિકાસ અધિકારી સાહેબે ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. તે સમયે પણ તલાટી મંત્રી ગેરહાજર હતા. તેમ છતાં પણ તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેથી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રીને છાવરતા હોય, તેમના અંગત હોય તેવું સ્પષ્ટ જણાય છે.

- text

આ સમસ્યા માત્ર ઘુંટુ ગ્રામ પંચાયતની નહીં પણ મોરબી તાલુકાના દરેક ગામોની છે. અમુક તલાકી કમ મંત્રીઓ મોરબી શહેરમાં નોકરી કરવાના બદલે પોતાની પ્રાઈવેટ ઓફિસો ચલાવી રહ્યા છે. તેથી આ રજૂઆત અંગે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે નહીં તો અમે ગામ લોકો સાથે પંચાયતનો ઘેરાવ કરી આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text