મોરબીમાં 14 પાકિસ્તાની વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અપાઈ 

- text


ધારાસભ્યની હાજરીમાં કલેકટર દ્વારા નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી : પાકિસ્તાનના અનેક પરિવારો વખતો વખત વિવિધ કારણોસર પાકિસ્તાનથી હિજરત કરી અનેક લોકો ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છે, ત્યારે પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબીમાં સ્થાયી થયેલા આવા 14 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ અને નિયમો-૨૦૦૯ અંતર્ગત ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા આ નાગરિકોના ચહેરા ઉપર ખુશી છવાઈ હતી.

મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા અનેક પરિવારો લાંબા સમયથી અહીં વસવાટ કરી દૂધમાં સાકારની જેમ ભળી ગયા છે. જિલ્લા કલેક્ટર તેમજ વહીવટી તંત્ર દ્વારા આ પરિવારોને નાગરિકતા મળી જાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હતા જે અન્વયે શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની હાજરીમાં કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક ક્લેક્ટર એસ.જે. ખાચરના હસ્તે 14 વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

નાગરિકતા મળતા લાગણીશીલ બન્યા સ્થળાંતરિતો 

પાકિસ્તાનીના મીઠીથી સ્થળાંતરિત થઈ મોરબી આવેલા શોભરાજસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, 2013માં અમે પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબીના નાની વાવડી ખાતે સ્થાયી થયા છીએ. અમને સરળતાથી નાગરિકતા મળી ગઈ છે તે માટે અમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વર્તમાન સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

 પ્રાઉડ ટુ બી ઇન્ડિયન : વિનીતાબેન 

ભારતીય નાગરિક બનેલા વિનીતાબેન લાગણીસભર થઈ જણાવે છે કે, હું 2010માં પાકિસ્તાનના કરાચી સ્થળાંતરિત થઈ ભારતમાં દેશમાં આવી છું. આજે મને ભારતની નાગરિકતા મળી ગઈ છે જેની બહુ જ ખુશી છે. નાગરિકતા આપવા માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાઉડ ટુ બી ઇન્ડિયન – હું ભારતીય બનવાનો ગર્વ અનુભવું છું.

આશ્રીત તરીકે ભારતમાં અમારી સંભાળ લેવાઈ : સેવાભાઇ 

- text

ભારતીય નાગરિકતા મેળવનાર પાકિસ્તાનના સેવાભાઈ મંગલભાઈ અહોભાવથી જણાવે છે કે, અમે વર્ષ 2014માં પાકિસ્તાનથી ભારતમાં આવ્યા છીએ. આશ્રિત તરીકે અહીં અમારી ખૂબ સારી સંભાળ રાખવા તથા સરળતાથી નાગરિકતા આપવા બદલ હું વર્તમાન સરકાર તથા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સહિત સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યકત કરું છું.

- text