મોરબી : નવરાત્રિની આઠમ અને નોમની તિથિ દેવીપૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસોમાં કન્યાપૂજા, હવન અને મધ્યરાત્રિએ કરવામાં આવતી પૂજા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કન્યાપૂજનના નિયમ પ્રમાણે એક વર્ષની કન્યાને બોલાવવામાં આવતી નથી, કેમ કે તે કન્યા ગંધ ભોગ વગેરેના સ્વાદથી બિલકુલ અજાણ રહે છે એટલે 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવામાં આવે છે.નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. તે પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમ તિથિ (દુર્ગાષ્ટમી)એ દેવીપૂજનની વિધિ જણાવી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયાં હતાં અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયા હતા.દેવી ભાગવત પુરાણ પ્રમાણે આઠમ તિથિએ કન્યાપૂજન અને તેમને ભોજન કરાવવાથી આખી નવરાત્રિનું ફળ મળે છે. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે. રુદ્રમાલય તંત્રમાં કહેવામાં આવ્યું છે કે કન્યાપૂજનથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કન્યાઓની પૂજા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને તેનાથી દસ મહાવિદ્યાઓ પ્રસન્ન થાય છે. આઠમ તિથિએ 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવી જોઈએ. આ કન્યાઓ સાથે એક બાળકને ભૈરવ સ્વરૂપ માનીને ભોજન કરાવવું જોઈએ.ભવિષ્ય પુરાણના ઉત્તરપર્વ મુજબ જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે આસો મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવીની મહાપૂજા કરવી જોઈએ. તે દિવસે કાળી, સર્વમંગલા, માયા, કાત્યાયની, દુર્ગા, ચામુંડા અને શંકરપ્રિયા વગેરે અનેક નામોથી પૂજા કરવી જોઈએ અને આ સ્વરૂપોથી દેવી દુર્ગાનું ધ્યાન કરવું જોઈએ. દેવ, દાનવ, રાક્ષસ, ગંધર્વ, નાગ, યક્ષ, કિન્નર અને મનુષ્ય આઠમ-નોમના દિવસે માતા દુર્ગાની પૂજા કરે છે.આઠમા નોરતે જ શા માટે નૈવધ ધરવામાં આવે છે?આઠમ એટલે 'દુર્ગાષ્ટમી'. નવરાત્રીમાં દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ છે. દુર્ગાષ્ટમીએ માતાજીને નૈવેધ ધરાવીને, પલ્લી ભરીને જાણે નવરાત્રિની પૂર્ણાહુતિ કરાય છે. આઠમની રાતે માતાજીની પલ્લી ભરાય છે, નૈવેધ ધરાય છે અને માતાજીની પાલખી-શોભાયાત્રા ધામધૂમથી નીકળે છે. માતાજીની પલ્લીમાં નવાં ધાન્યોની બનાવેલી રસોઈના નવખંડ માતાજીને અર્પણ કરાય છે. પલ્લીના નવખંડ તો પૃથ્વી ઉપરના નવ ખંડની નવ દેવીઓનું પણ પ્રતિક છે.