મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવા ઝુંબેશ શરૂ કરાઈ

- text


GWIL અને GWSSBની પાણીની પાઇપલાઇનમાંથી બિન અધિકૃત કનેક્શન શોધી તેને કાપવાની ઝુંબેશ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુગ્રથિત રહે અને લોકોને પીવાનું પાણી નિયમિત અને યોગ્ય માત્રામાં મળી રહે તે માટે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા GWIL અને GWSSBની પાણીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ શોધી આવા કનેક્શન કાપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

પાણી વિતરણનું માળખું સુદ્રઢ્ય કરવા છતાં જિલ્લાના કેટલાક વિસ્તાર તથા ગામડાઓમાં પાણીનું નિયમિત વિતરણ કરવામાં મુશ્કેલી આવતી હોય છે જેનું મુખ્ય કારણ ગેરકાયદેસર જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ તથા ગામડાઓના સરપંચો દ્વારા GWIL અને GWSSBની પાણીની પાઇપલાઇનમાંથી કેટલાક લોકો દ્વારા બિનઅધિકૃત કનેક્શન લઈ પાણી ચોરી કરતા હોવાની ફરીયાદો ધ્યાનમાં લઈ આવા બિન અધિકૃત કનેક્શન કાપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.

આ ઝુંબેશના પગલે કલેક્ટરની સૂચના હેઠળ GWIL અને GWSSBના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ ટીમ, મામલતદાર અને પોલીસ સહિતની ટીમ દ્વારા GWIL અને GWSSBની પાઈપલાઈનનું ઇન્સ્પેક્શન કરી બિન અધિકૃત પાણીના કનેક્શન શોધી આ પ્રકારના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને તાકીદ કરતા જણાવ્યું છે કે, જે કોઈપણ વ્યક્તિએ બિનઅધિકૃત રીતે પાણીની પાઇપલાઇનમાંથી કનેક્શન લીધું હોય તો સ્વયં તાત્કાલિક કનેક્શન દુર કરે. આ રીતે ગેરકાયદેસર કનેક્શન લેવું ગુનો હોવાથી આ ઝુંબેશમાં જો કોઈ બિનઅધિકૃત કનેક્શન પકડાશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

- text

- text