મોરબીના પોલીપેક કારખાનામાં લાગેલી આગ 12 કલાકે બુઝી, કરોડોનું નુકશાન

- text


મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર, કાલાવડ, હળવદ અને માળીયાની આઠ ટીમોએ પાણીનો મારો ચલાવ્યો

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ રોયલ પોલીપેક કારખાનામાં ગઈકાલે બપોરે લાગેલી આગ વિકરાળ બન્યા બાદ મોરબી સહિતની આઠ ફાયર ટીમોએ સતત પાણીનો મારો ચલાવતા બાર કલાકે આગ કાબુમાં આવી હતી. આગને કારણે ફેકટરીમાં મશીનરી સહિતનો માલ ખાખ થઈ જતા કરોડોનું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ રોયલ પોલીપેક કારખાનામાં ગઈકાલે બપોરે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા પ્રથમ મોરબી ફાયર બ્રિગેડે મોરચો સંભાળી આગ બુઝાવવા પ્રયાસ કર્યા બાદ આગ પ્લાસ્ટિક મટિરિયલને કારણે વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરી રાજકોટ, જામનગર, કાલાવડ, હળવદ અને માળીયાની ફાયર ટીમની મદદ લઇ કુલ આઠ ટીમોએ મોડી રાત્રી સુધી પાણીનો મારો ચલાવતા રાત્રે 12.30 બાદ આગ કાબુમાં આવી હતી.

- text

મોરબી નગર પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગ ખૂબ જ ભયાનક હોય મોરબીની 2, રાજકોટની 2, જામનગરની 1 કાલાવડની એક, હળવદની એક અને માળીયાની એક ફાયર ટીમની મદદથી આગ કાબુમાં લીધી હતી અને આજે સવાર સુધી ફાયર ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. વધુમાં આગને કારણે રોયલ પોલીપેકને કરોડોનું નુકશાન પહોંચ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text