વાંકાનેરમાં એક ઇંચ, મોરબીમાં અડધો ઇંચ વરસાદ

મોરબી : મોરબી શહેર અને જિલ્લાના ચોમાસાની વિદાય વચ્ચે છેલ્લા રાઉન્ડમાં મેઘરાજાએ ગત મોડીરાત્રે ધડબડાટી બોલાવી વાંકાનેરમાં એક ઇંચ, મોરબીમાં અડધો ઇંચથી વધુ અને ટંકારામા 7 મીમી વરસાદ વરસાવ્યો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈકાલથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થયો હોય તેમ રાત્રીના આઠ વાગ્યા બાદ વરસાદનો વ્યાપ વધતા રાજ્યના આજે સવારના 6 વાગ્યા સુધીમાં કુલ 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં આઠ ઇંચ, સુરત અને બરોડા શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદનીબસાથે અમરેલીના લીલીયામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે નવસારી અને જેતપુર પાવીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. મોરબી ફ્લડ કંટ્રોલરૂમના આંકડા મુજબ મોરબી જિલ્લામાં સૌથી વધું વાંકાનેરમાં 25 મીમી, મોરબીમાં 14 મીમી, ટંકારામાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. જો કે, હળવદ અને માળીયા મિયાણા કોરા કાટ રહ્યા હતા.