મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આરાધના સોસાયટીમાં રહેતા જમીન - મકાનના ધંધાર્થી અને વ્યાજ વટાઉનો કમિશનથી ધંધો કરતા પ્રૌઢે 15 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા આ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે જ ચાર વ્યાજખાઉં શખ્સને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મોરબીના શનાળા રોડ ઉપર આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની હરેશભાઇ કાંતિલાલ સાયતા નામના પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ત્રણ પાનાની સ્યુસાઇડ નોટના આધારે તેમના પત્ની જ્યોતિબેને 15 આરોપીઓ વિરુદ્ધ તેમના પતિને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. વ્યાજખોરીના આ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તત્કાલ ગુન્હો નોંધી આરોપી ભીખાભાઇ ઉર્ફે અમરત લાલજી ભોજાણી, નરેન્દ્ર લાલજી ભોજાણી, ગિરીશ છબીલ કોટેચા અને જગાભાઈ દેવરાજ ઠક્કર નામના ચાર આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.