- text
સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકે ધરાર પીવાના પાણીમાં મૂર્તિ પધરાવી જળચર જીવોને નુકશાન પહોંચે તેવું કૃત્ય કર્યું
મોરબી : મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જન માટે નગરપાલિકાએ વ્યવસ્થા ગોઠવી કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી હોવા છતાં બે આયોજકો દ્વારા મંગળવારે મોડી રાત્રે ધમાલ કરી પોલીસની મનાઈ છતાં કંડલા બાયપાસ ઉપર મચ્છુ -3 ડેમમાં ક્રેઇન વડે વિશાળ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા બન્ને આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.
- text
રાજ્યમાં દર વર્ષે ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જવાના અનેક બનાવો બનતા હોવાની સાથે ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર ઓફ પેરિસને કારણે પ્રદુષણ ફેલાતું હોવા ઉપરાંત જળચર જીવોની જિંદગી જોખમમાં મુકાતી હોય મોરબીમાં પણ ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સાથે જ મોરબી નગરપાલિકા દ્વારા ચાર સ્થળે કલેક્શન સેન્ટર ઉભા કરી કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આમ છતાં મોરબીના રવાપર રોડ ઉપર સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરનાર અરવિંદભાઈ છગનભાઇ બારૈયા અને મયુરનગરી કા રાજા ગણેશોત્સવનું આયોજન કરનાર વિશ્વાસ વલ્લભભાઈ ભોરણીયાએ ખાનગી ક્રેઇન બોલાવી કંડલા બાયપાસ ઉપર જુના આરટીઓ પાસે મચ્છુ -3 ડેમમાં વિશાળ મૂર્તિ વિસર્જિત કરતા મોરબી તાલુકા પોલીસે બન્ને આયોજકો વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ 223 તેમજ 125 અને જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
- text