- text
ટંકારા : તાલુકાના વાઘગઢ ગામે ખેતરમાં સાતી હાકતી વખતે અકસ્માતે ટ્રેક્ટર ખેતરમાં આવેલા કુવામાં ખાબક્યું હતું. જેમાં પાણીમાં ડુબી જતાં ટ્રેક્ટર ચાલક વૃદ્ધનું મોત નિપજ્યું છે. 12 કલાકની જહેમત બાદ ખેડૂતનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ટંકારાના વાઘગઢ ગામે રહેતા 70 વર્ષીય દેવજીભાઈ ગંગારામભાઈ ભીમાણી મોડી રાત્રે ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ખેતરના કુવા પાસે ચીલા અને ચપ્પલ મળી આવતા ટંકારા પોલીસને જાણ કરાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના લીડીંગ ફાયરમેન જયેશભાઈ ડાકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 10 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો કે ટંકારના વાઘગઢ ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર સાથે કુવામાં પડી ગયા છે. જેથી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગામ લોકોની સાથે મળીને રાતથી લઈને સવાર સુધી કામગીરી કરી હતી. ક્રેન વડે ટ્રેક્ટરને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને ફાયર વિભાગના કર્મચારીએ દોરડા વડે કુવામાં ઉતરીને ટ્રેક્ટર ચાલક 70 વર્ષીય દેવજીભાઈ ગંગારામભાઈ ભીમાણીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ભારે વરસાદના કારણે કુવાનું પાણી કાંઠા સુધી હોય ગ્રામજનો દ્વારા મોટરો મૂકીને કુવામાંથી પાણી ઉલેચ્યું હતું અને ઘટનાના 12 કલાક બાદ મૃતદેહ અને ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું. હાલ મૃતકને ટંકારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે અને વધુ તપાસ ઈમ્તિયાઝભાઈ જામ અને રાઈટર દિવ્યરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
- text
- text