જિલ્લા વિકાસ અધિકારી કામગીરી કરવા દબાણ આપતા હોવાનો VCEનો આરોપમોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતી પાકમાં થયેલા નુકસાની બાબતે હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતી પાકમાં નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ એટલે કે VCE દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સર્વેની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.આજ રોજ મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCEએ જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે, VCEનું કામ પંચાયત કચેરીમાં બેસીને કરવાનું છે. જ્યારે એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ફિલ્ડમાં જઈને કરવાની છે. તો જો VCE ફિલ્ડમાં જઈને સર્વે કરશે તો પંચાયતમાં આવતા અરજદારોની કામગીરી ખોરંભે ચડી જશે. આ ઉપરાંત VCEને કોઈ વીમા કવચ પણ આપવામાં ન આવ્યું હોવાનું જણાવ્યું છે. આ સર્વેની કામગીરી માટે સર્વે નંબર દીઠ 15 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે જે ઓછું છે. ખરેખર 50 થી 60 રૂપિયા ચુકવવા જોઈએ તેમ VCEનું કહેવું છે. આમ તમામ મોરબી જિલ્લાના VCEઓએ એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપની કામગીરીનો બહિષ્કાર કરીને કામગીરી ન કરવાનો નિર્ણય લીધો છે.VCEઓનું કહેવું છે કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજે તેઓની રજૂઆત પણ સાંભળવામાં નથી આવી અને દબાણ આપીને કહેવામાં આવ્યું છે કે, તમે કામગીરી નહીં કરો તો તમને છુટ્ટા કરીને બીજાને કામગીરી સોંપવામાં આવશે.