અગાઉ બીકેટી ટાયર કંપની પાસેથી પણ નાણાં પડાવ્યા હતામોરબી : કચ્છ - મોરબીના સાંસદ વિનોદ ચાવડાના નામે ગણેશોત્સવનો રૂપિયા 15 હજારનો ફાળો માંગનાર અમદાવાદી ચીટરને ગાંધીધામ પોલીસે ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ અંજારના વરસામેડી નજીક રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં ફરિયાદી મોહિત પ્રભાકરને હું સાંસદ વિનોદ ચાવડા બોલું છું ગણપતિ મહોત્સવનો ફાળો આપો કહેતા આ ચીટર ઉપર વિશ્વાસ કરીને મોહિત પ્રભાકરે પંદર હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા.જો કે, બાદ ખરાઈ કરતાં સાંસદ વિનોદ ચાવડાના નામે કોઈ ચીટર તેમને મુરખ બનાવી ગયો હોવાનું સ્પષ્ટ થતા પોલીસ ફરિયાદ કરી હતી.બીજી તરફ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અમદાવાદના નિકોલમાં રહેતા આરોપી રીતેષ જોશીને દબોચી લીધો હતો. આરોપી રીતેશે સાંસદ ચાવડાના નામે અનેક લોકોને ફોન કરીને રૂપિયા પડાવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ચીટર વિરુધ્ધ અગાઉ પધ્ધર પોલીસ મથકે ચીટીંગની ફરિયાદ દાખલ થયેલી જેમાં આરોપીએ બીકેટી કંપનીના જનરલ મેનેજર સમક્ષ સાંસદ ચાવડાનું નામ વટાવીને ગાંધીધામમાં ભંડારો કરવાના બહાને સાડા ચાર લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો આ ઉપરાંત અંજાર, ભરુચ, દમણ સહિતના શહેરોમાં પણ ફ્રોડની ફરિયાદો દાખલ થયેલ હોવાનું સામે આવ્યું છે. હાલમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને પીએસઆઈ એલ.એન. વાઢિયાએ તપાસ હાથ ધરી છે.