તસ્કરો અડધો કલાકમાં જ કળા કરી ગયા, 2.66 લાખના દાગીના ચોરાયાહળવદ : હળવદ શહેરના સોનીવાડમાં રહેતો પરિવાર અડધો કલાક ઘર બંધ કરી નજીકમાં આવેલ ગણપતિબાપાના દર્શન કરવા જતા જ પાછળથી તસ્કરોએ બંધ પડેલા મકાનમાં ખાબકી રૂપિયા 2.66 લાખના સોનાના દાગીનાની ચોરી કરી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સોનીવાડમાં રહેતા અને રસોઈ કામ કરતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ રાત્રીના આઠેક વાગ્યે તેઓ તેમના વિસ્તારમાં બેસાડેલા ગણપતિબાપાના દર્શન કરવા ગયા હતા અને સાડા આઠેક વાગ્યે ઘરે પરત આવતા ઘરમાં સમાન અસ્ત વ્યસ્ત હોય ચેક કરતા સેટીમાં રાખેલ થેલામાંથી કોઈ અજાણ્યા તસ્કરો સોનાની બે વીંટી, મંગળસૂત્ર, સોનાની ચાર જોડી બુટી અને પેડલ સહિત કુલ મળી 53 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા 2,66,000ની માલમતા ચોરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે હળવદ પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.