મોરબીના સામાજિક કર્યકરોએ મુખ્યમંત્રી, ચીફ ઓફિસર, કલેક્ટર, ધારાસભ્ય સહિતનાને કરી લેખિત રજૂઆતમોરબી : મોરબીના વજેપર શેરી નંબર 23માં આવેલા સાર્વજનિક પ્લોટમાં આંગણવાડી પાસ થઈ ગઈ હોવા છતાં તારીખ 19-7-2022ના રોજ આ અંગે અરજી કરી હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબી પાલિકાના ચીફ ઓફિસર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર, વહીવટદાર, અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક આ આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી માગ કરી છે.\સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ચિરાગભાઈ સેતા સહિતનાઓએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, વજેપર શેરી નંબર 23માં આવેલા સાર્વજનિક પ્લોટમાં આંગણવાડી પાસ થઈ હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ આ સાર્વજનિક પ્લોટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સાર્વજનિક પ્લોટમાં રામસીંગ સરદારજી નામના શખ્સે ગેરકાયદે દબાણ કરી વંડો કરી વાડો બનાવી નાખ્યો છે અને તેમાં ભુંડને પુરવામાં આવી રહ્યા છે. આ પ્લોટની બાજુમાં જ આંગણવાડી કેન્દ્ર આવેલું છે જેના કારણે બાળકો અવાર નવાર બીમાર પડે છે. આ જગ્યાએ જો આંગણવાડી બનાવવામાં આવે તો ગંદકી દૂર થાય અને દબાણ પણ હટી જાય તેવી લતાવાસીઓની માગ છે. તેથી સાર્વજનિક પ્લોટમાં નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.