કાયદો હાથમાં લેશે અથવા સોશિયલ મીડિયા ઉપર કોઈ ધર્મની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરાશે : એસપી રાહુલ ત્રીપાઠી મોરબી : મોરબીમાં ગણેશ ઉત્સવના પર્વને લઈને જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. ગણેશ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પર્વની ઉજવણી થાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં મોરબીમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી પી.એ. ઝાલા, એ ડિવિઝન પીઆઇ એચ.એ જાડેજા, એસઓજી પીઆઇ એમ.પી. પંડ્યા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ગ્રીન ચોકથી શરૂ કરી નહેરૂ ગેટ ચોક અને ત્યાંથી વિવિધ મુખ્યમાર્ગો ઉપર પોલીસનું આ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે જ્યાં ગણેશ ઉત્સવના આયોજનો થયા છે. તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચના આયોજનો કરવામાં આવ્યા છે. આ તહેવારની કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે જરૂરી છે. સાંજે આરતી સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા અમુક પોઇન્ટ નક્કી કરી મોડી રાત સુધી પોલીસ જવાનોની ત્યાં હાજરી રખાશે. અંતમાં એસપીએ સમગ્ર જિલ્લાવાસીઓને અપીલ કરી હતી કે કોઈ કાયદો હાથમાં લેશે કે પછી સોશિયલ મીડિયામાં કોઇ ધર્મની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરશે. તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.