એવન્યુપાર્ક પાસે બેન્ડ મારી ગયેલા નાલા અંગે પાલિકા તંત્ર બેખબર, મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિમોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસે આવેલ નાલુ લાંબા સમયથી નબળું પડી ગયા બાદ મંગળવારે સાંજના સમયે આ નાલામાં બાકોરું પડવાની સાથે નીચેની તરફ મોટો ભુવો પડી જતા વાહન ચાલકો માટે જોખમ સર્જાયું છે, જો કે, સૌરાષ્ટ્રની નંબર વન ગણાતી પાલિકાને હજુ આ બાબતની જાણકારી ન હોવાનું સામે આવ્યું છે. હાલમાં સામાજિક અગ્રણીએ અહીં ભુવામાં વાંસડા ઉભા કરી લોકોને ધ્યાનથી પસાર થવા ચેતવવામાં આવી રહ્યા છે.મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા રહેતા રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસે આવેલ વોકળા ઉપરનું નાલુ છેલ્લા ઘણા સમયથી નબળું પડી જતા મોરબી નગરપાલિકાની સાથે મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી હોવાનું મોરબીના સામાજિક અગ્રણી સતીશ પટેલે જણાવી કહ્યું હતું કે, મંગળવારે સાંજે આ નાલુ નબળું પડી જવાની સાથે નાલા નીચે ચારેક ફૂટ મોટો ભુવો પડતા વાહનચાલકો માટે જોખમ ઉભું થતા અહીં નાલા ઉપર વાસ ખોડી લોકોને ધ્યાનથી પસાર થવા સમજાવવામાં વી રહ્યા છે.સામાજિક આગેવાન સતિષભાઈએ ઉમેર્યું હતું કે, આ નાલુ હાલમાં દોઢેક ફૂટ જેટલું બેન્ડ થઇ ગયું હોવા છતાં મોરબી નગરપાલિકા તંત્ર અહીં ઝૂલતા પુલ જેવી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું હોય તેવી પ્રતીતિ થઇ રહી છે, નોંધીનીય છે કે, મોરબીમાં તાજા ભૂતકાળમાં જ લીલાપર રોડને જોડતો પુલ બે કટકા થઇ જવાની સાથે વાંકાનેરમાં પણ બાયપાસના પુલનો સ્પાન તૂટ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે વધુ એક પુલ જોખમી બનવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાંથી ન જાગતા આશ્ચર્ય સર્જાયું છે.