નંદી માલિક નિલેશભાઈ માતમભાઈ સાનિયાને એક લાખનો પુરસ્કારહળવદ : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી પશુ પ્રદર્શન હરીફાઈમાં હળવદ તાલુકાના ચરાડવા ગામનો નંદી ચેમ્પિયન ઓફ ધી શો બનતા પશુપાલકને એક લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું.નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ. 37.91 લાખનાં 221 ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.એક લાખનું ઈનામ આપવામાં આવે છે. આ વર્ષે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. જે માટે પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્તુરબા ધામ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી. જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા 50 હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.