અત્યાર સુધીમાં પાલિકાએ શહેરમાંથી 222 ઢોર પકડી પાંજરાપોળ મોકલ્યાનો તંત્રનો દાવોમોરબી : મોરબી શહેરમાં ઉભરાતી ગટરો અને તૂટેલા માર્ગોની સમસ્યાનું નિરાકરણ થયું નથી ત્યાં શહેરમાં ઢોર પકડ ઝુંબેશ બંધ કરી દેવામાં આવતા મોરબી ઢોરવાડામાં ફેરવાઈ ગયું છે અને શહેરના તમામ માર્ગો ઉપર ઢોરનો અડિંગો જોવા મળતા અક્સ્માતોનુ પ્રમાણ પણ વધ્યું છે, જો કે, પાલિકાએ ખાનગી કોન્ટ્રાકટર મારફતે રસ્તે રઝળતા ઢોર પકડવાનું ફરી શરૂ કર્યું છે અને હવે દિવસ-રાત ઢોર પકડવામાં આવશે તેવું ચીફ ઓફિસર જણાવી રહ્યા છે.મોરબી શહેરના શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ, રવાપર રોડ, શનાળા રોડ, જીઆઇડીસી, લીલાપર રોડ, સાવસર પ્લોટ, વાવડી રોડ અને પંચાસર રોડ સહિતના તમામ મુખ્યમાર્ગો ઉપર હાલમાં ચોમાસાની સિઝનમાં તૂટેલા રસ્તા અને ગંદા પાણી ઉભરાવાની સમસ્યા સાથે લોકોને રસ્તાઓ ઉપર અડિંગો જમાવી બેસતા પશુઓનો અસહ્ય ત્રાસ સહન કરવો પડી રહ્યો છે, રખડતા ઢોર દરરોજ કોઈને કોઈ જગ્યાએ લોકોને ઢીંકે ચડાવવાની સાથે અકસ્માત સર્જવામાં પણ નિમિત્ત બની રહ્યા છે અને ગઈકાલે હાઇવે ઉપર ખુંટીયાને કારણે ત્રણ લોકોને જિંદગી ગુમાવવી પડી હતી.બીજી તરફ મોરબી પાલિકામાં વ્યાપક ફરિયાદો બાદ ઢોર પકડવાનું શરૂ કર્યું હતું જે ચોમાસા અને જન્માષ્ટમીને કારણે ઝુંબેશ બંધ કરી દેવામાં આવતા ફરી મોરબીમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યા વકરી હોવાનું સામે આવ્યું છે, ખાસ કરીને દિવસે તેમજ રાત્રીના સમયે રખડતા પશુઓ જાહેર માર્ગો ઉપર અડિંગો જમાવીને બેસતા હોવાથી મોરબીની ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધીમાં 222 ઢોર પકડવામાં આવ્યામોરબીમાં છેલ્લા એકાદ મહિનાથી શરૂ થયેલ ઢોર પકડ ઝુંબેશ અન્વયે અત્યાર સુધીમાં કુલ 222 પશુઓને પકડી પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે અને છેલ્લા ત્રણ દિવસમાં નગરપાલિકાના કોન્ટ્રાકટરે 60 જેટલા પશુઓ પકડ્યા હોવાનું તેમજ મોરબીમાંથી પકડવામાં આવતા એક પશુ દીઠ 710 રૂપિયા ચુકવવામાં આવતા હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.મોરબીમાં ઢોર પકડવા માટે રાતદિવસ કામગીરી કરાશે : ચીફ ઓફિસરમોરબીમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ અંગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે, તહેવારોને કારણે મુલતવી રાખવામાં આવેલ ઢોર પકડવામાંની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં દિવસે તેમજ રાત્રીના સમયે પણ ઢોર પકડ ઝુંબેશ ચાલુ રાખી મોરબી શહેરમાં રસ્તે રઝળતા પશુઓના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ આપવામાં આવશે.