બે વર્ષથી સતત રજુઆત છતાં પગલાં નહી લેવાયાના આરોપ બાદ તંત્ર દોડતુંમોરબી : મોરબી શહેરમાં નાની બજાર મેઈન રોડ પર ત્રીકમરાઈ મંદિરની બાજુમાં આવેલું એક જર્જરિત મકાન પાડોશીઓ માટે જોખમી બન્યું હોવાથી આ જર્જરિત મકાન તોડી પાડવા છેલ્લા બે વર્ષથી રજુઆત કરવા છતાં પાલિકા જોખમી મકાન દૂર કરવા કાર્યવાહી કરતી ન હોય આ મામલે અહેવાલો પ્રસિદ્ધ થતા જ પાલિકા તંત્ર દોડતું થયું છે અને રાત્રે જ ટીમોને કામે લગાડી મકાનનો જોખમી ભાગ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.મોરબી શહેરમા નાની બજારમાં રહેતા તાહેરભાઈ આદમઅલી અકડાવાલાએ મોરબી નગર પાલિકાને લેખિત ફરિયાદ કરી તેમના પડોશમાં આવેલ જોખમી અને જર્જરિત હાલતમાં રહેલ મકાન દૂર કરવા ફરિયાદ કરી આરોપ લગાવ્યો હતો કે બે વર્ષથી સતત રજુઆત છતાં આ મકાનનો જર્જરિત ભાગ દૂર ન કરવામાં આવતા મકાન આજુબાજુના લોકો માટે જોખમી બન્યું છે. આ અંગેના અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયા બાદ શનિવારે રાત્રે જ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે ટીમો દોડાવી મકાનનો જોખમી ભાગ ઉતારી લેવા કાર્યવાહી શરૂ કરી હતી જેને પગલે નાની બજારના લોકોને રાહત મળી છે.