મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોય આ અંગે સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચુકવવામાં આવે તેવી માગ મોરબી જિલ્લા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રભાઈ ગોધાણીએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી છે.ભૂપેન્દ્રભાઈ ગોધાણીએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના દરેક તાલુકામાં 25 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. કપાસ, તલ, બાજરી, જુવાર, મગફળી વગેરે પાક અતિ વરસાદ અને પવનના કારણે નિષ્ફળ ગયા છે. સીમતળના તમામ રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. તેના લીધે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી. તેથી ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં સર્વેની ટીમ બનાવીને સર્વે કરીને ખેડૂતોને પાકનું વળતર મળે અને સીમતળના રસ્તાઓ અને પુલ તાત્કાલિક રિપેર કરાવવામાં આવે તેવી માગ કરાઈ છે.