મોરબી પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છતાં કાર્યવાહી શૂન્યમોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ભુગર્ભ ગટરના ગંદા પાણી રોડ ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે મોરબીના સાવસર પ્લોટમાં દોશી ટાવરની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર ઉભરાતા રોડ પર તળાવની માફક ગંદા પાણી ભરાયેલા રહે છે.મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા સાવસર પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરનું પાણી ઉભરાય છે. આ શેરીમાં મોટાભાગે હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ આવેલા છે. ત્યારે મેડિકલ સ્ટોરના વેપારીઓએ જણાવ્યું છે કે, આ શેરીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાઈ રહી છે. આ અંગે દવાના વેપારીઓ અને અન્ય લોકોએ પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે. આજે પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. છતાં મોરબી નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટરના પાણી ઉભરાવાનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. વેપારીઓએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આવા ભુગર્ભ ગટરના પ્રશ્નનો નિકાલ કરવો જરૂરી છે. મોરબી પાલિકા તંત્ર ખાડે ગયું હોવાનો પણ વેપારીઓએ આરોપ લગાવ્યો છે અને તાત્કાલિક આ ભુગર્ભ ગટર ઉભરાવાનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી ચીફ ઓફિસર સમક્ષ માગ કરી છે.