મોરબી : મોરબીમાં મેઘ તાંડવના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની તથા મકાન અને દીવાલો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ દરમ્યાન છેલ્લા ત્રણ દિવસથી સો-ઓરડી, પરશુરામ પોટરીમાં પાણી ભરાયું હતું. આ દરમ્યાન શહેરમાં રહેતા ચૌહાણ રમેશભાઈ અને મકવાણા અમિતભાઇએ મોરબી શહેર ભાજપ મહિલા મોરચાને સંપર્ક કર્યો હતો. દીવાલ ધરાશાયી થઈ હોવાથી તેમજ ત્રણ દિવસથી રસોડું પણ ચાલુ કરેલું નહીં હોવાથી અને અત્યંત ખરાબ પરિસ્થિતિ હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહેલા ચૌહાણ રમેશભાઈ અને મકવાણા અમિતભાઇએ ફોન કરતા આજ રોજ મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ અને મહામંત્રી જયશ્રીબેન વાઘેલાએ સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ લોકોની આપવીતી સાંભળીને સાંત્વના આપી હતી. તથા હાલમાં જમવાની તકલીફ હોય તો જમવાનું પહોંચાડવાનું કહ્યું હતું અને ભારે વરસાદ હજું પડે તો રૈન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરી આપવા કહ્યું હતું.