મોરબીમાં ઉલ્ટી કરવાને બહાને વૃદ્ધના નાણાં ચોરી જનાર બે ઝડપાયા 

- text


હળવદના વૃદ્ધ ઉપર ઉલ્ટી કરી 20 હજાર તફડાવી લેવા પ્રકરણમાં બન્ને ગઠિયા રીઢા તસ્કર નીકળ્યા 

મોરબી : મોરબી શહેરની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વૃદ્ધને પેસેન્જરના સ્વાંગમાં ગઠિયો ભટકાઈ જતા ઉલ્ટી કરવાને બહાને ખિસ્સામાંથી 20 હજાર તફડાવી લેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને આરોપીઓને મોરબીની રાજપર ચોકડી નજીકથી ઝડપી લઈ 50 હજારની રીક્ષા તેમજ 20 હજાર રોકડા કબ્જે કર્યા હતા.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.27 જુલાઈના રોજ મોરબીની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વસંતપરામાં રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ ઉ.79 રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા પેસેન્જરે ઉલ્ટી કરવાને બહાને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 20 હજાર સેરવી લેતા બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંઘી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ બાતમીદારો મારફતે મળેલી બાતમીને આધારે પોલીસે રાજપર ચોકડી નજીકથી આરોપી સાગર ઉર્ફે બાડો મનસુખ અબાસણીયા રહે.રાજકોટ, હુડકો ચોકડી અને અનિલ પ્રવીણભાઈ રાઠોડ રહે.ભગવતીપરા, રાજકોટ વાળાને ઝડપી લઈ પૂછતાછ કરતા બન્ને આરોપીઓએ ગુન્હાને અંજામ આપ્યાની કબૂલાત આપતા આરોપીઓ પાસેથી પોલીસે 20 હજાર રોકડા અને 50 હજારની કિંમતની રીક્ષા કબ્જે કરી હતી. નોંધનીય છે કે, આરોપી સાગર અગાઉ જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા અને શાપરમાં અનેક ગુન્હામા પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને આરોપી પ્રવીણ પણ રાજકોટમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

- text