બે વ્યક્તિને વીજશોક લાગ્યા, બે વ્યક્તિએ ગળાફાંસો ખાધો અને વૃધ્ધાએ ઝેરી દવા ગટગટાવીમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અપમૃત્યુના 5 બનાવો બન્યા હતા જેમાં બે વ્યક્તિએ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિના વીજ શોક લાગતા અને એક વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીના લાલપર નજીક સિરામિક સિટીમાં પોતાના ઘેર વિરેન્દ્રકુમાર ચંદ્ર કિરણ ઉ.32 નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી હતી.બીજા બનાવમાં મોરબી સર્કિટ હાઉસ નજીક આવેલ કાર સ્પા સર્વિસ સેન્ટરમા અજય પ્રેમજીભાઈ ગુગડીયા ઉ.28 રહે. વિશિપરા મોરબી નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના ગિડચ ગામે રહેતા અજયભાઈ વિનુભાઈ જોગરાજીયા ઉ.24 નામના યુવાનને ગિડચ ખાતે દયારામભાઈની વાડીમાં વીજશોક લાગતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.ચોથા બનાવમાં મોરબી તાલુકાનાં જેતપર મચ્છુ ગામે રહેતા રતનબેન લાભુભાઈ અઘારા ઉ.62 નામના વૃધ્ધાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન દમ તોડી દેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી હતી.જ્યારે પાંચમા બનાવમા હળવદ તાલુકાના કોયબા સીમમાં રંગીલા હનુમાન મંદિર પાસે જેસિંગભાઈ ઉર્ફે જયેશભાઇ ઉપહારિયા ઉ.22 રહે.શક્તિનગર (સુખપર) ગામ વાળાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.