મોરબી : મોરબી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સફળતાપૂર્વક UPSC મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ઓગસ્ટના રોજ યોજાયેલી મોક ટેસ્ટમાં મોરબી, વાંકાનેર, રાજકોટ, થાન સહિત ગામોમાંથી પ્રજાપતિ સમાજના 90 જેટલા વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લીધો હતો. UPSCની પરીક્ષા જે નિયમો અને વાતાવરણમાં યોજાય છે તે જ નિયમો અને વાતાવરણમાં આ પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવાના અભિયાન અંતર્ગત આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બે કલાક બે પેપરની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા 18 ઓગસ્ટ ને રવિવારે નિર્મલ વિદ્યાલય ખાતે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં કાર્યકારી પ્રમુખ અને ટ્રસ્ટી ભાવેશભાઈ વામજા અને રમણીકભાઇ બરાસરાની આગેવાનીમાં યોજાઈ હતી. પરીક્ષામાં સ્કોડ તરીકેની જવાબદારી મોરબીનાં ડે.કલેકટર સુશીલ પરમાર (પ્રજાપતિ) અને વિશ્વ પ્રસિદ્ધ મીટીકુલ વાળા મનસુખભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનોએ નિભાવી હતી. આગામી દિવસોમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરી વિજેતા સ્પર્ધકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવશે. પરીક્ષાના સફળ આયોજન માટે સંસ્થાના કાર્યકરો, હોદ્દેદારો અને સમાજના સેવાભાવી સ્વયંસેવકોની સેવા બદલ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળે સૌનો આભાર વ્યકત કર્યો હતો.