મોરબી : આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે અને સાથે સાથે રક્ષાબંધનનો તહેવાર પણ છે ત્યારે મોરબીના ભડિયાદ ગામે આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શનાર્થે આવ્યા છે. વહેલી સવારથી જ મંદિરે પૂજન-અર્ચન, અભિષેક સહિતની પૂજા વિધિ સાથે દર્શનનો લાભ લઈ રહ્યા છે.ભડિયાદ ગામે જંગલની વચ્ચે આવેલા પૌરાણિક જંગલેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. જંગલેશ્વર મહાદેવ મંદિરના મહંતે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલા અહીંયા માત્ર શિવલિંગ જ હતું. 100 વર્ષ પહેલા એક માતાજીએ અહીંયા આવીને મંદિરમાં પૂજનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે મંદિરનો વિકાસ થતો ગયો. હાલ મંદિર પરિસરમાં બગીચો, ચબૂતરો અને ભોજનાલય સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિરમાં દરરોજ સવાર-સાંજ આરતી કરવામાં આવી રહી છે. ભંડારાનું અને બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.