ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક એટલે રક્ષાબંધન : આ દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે અને માછીમારો નાળિયેર વડે દરિયાની પૂજા કરે છેમોરબી :સોનાથી મઢેલા આભુષણો અને દિવ્ય રત્નો પણ એક સુતર ના દોરા સામે ઝાંખા પડે છે,બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનું આભુષણ બને છે.. ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધન ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. ભાઇના જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.પૌરાણિક કથાઓ પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા!બળેવબળેવના પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો.