કલ્યાણપર ગામને અંધારામાં રાખી ટંકારામાં ભેળવવા પ્રયાસનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયોટંકારા : કલ્યાણપર ગામને ટંકારા નગરપાલિકામાં ભેળવવા થઇ રહેલા પ્રયાસનો કલ્યાણપર ગામ સમસ્ત દ્વારા વિરોધ કરી ગાંધીનગર ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવ્યા મુજબ કલ્યાણપર ગામ હાલ સુધી ગ્રામ પંચાયતથી વહીવટ કરવામાં આવતો હતો. જે સુયોગ્ય રીતે વહીવટ ચાલતો હતો. ટંકારાથી કલ્યાણપર ગામ આશરે 4 થી 5 કિલો મીટર દૂર થાય છે. તમામ વહીવટી કામ ગ્રામ પંચાયત દ્વારા કલ્યાણપર ગામમાં જ થઈ જતા હતા. હવે નગરપાલિકા થતા સરકારી કામો કે વહીવટી કામો માટે 5 કિલોમીટર દૂર મામલતદાર ઓફીસ સુધી ધક્કા ખાવા પડશે. ઉપરાંત કલ્યાણપર ગામને અંધારામાં રાખી તેમજ કોઈ પણ જાતની જાણ કર્યા વગર ટંકારા નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.વધુમાં કલ્યાણપર ગામના ગ્રામજનોએ આ ઠરાવ ક્યારે થયો છે ? કોને કોને સહી કરાવી ઠરાવ કરેલ છે ? ગ્રામ સભા કરેલ પણ છે ? સાધનિક કાગળો ક્યારે, કોની સહીથી આપેલ છે તે ગ્રામજનોને જાણ સુધા નથી. કલ્યાણપરની ગામની વસ્તી આશરે 1600 છે. તદઉપરાંત આર્યનગરની વસ્તી અને ટંકારાની વસ્તી નગરપાલિકા જેટલી થતી ન હોય. કોઈ પણ ઈન્ડસ્ટ્રીયલ ઝોન કે બીજી કોઈ પણ સવલત નથી તે ઉપરાંત કલ્યાણપર ગ્રામ પંચાયતને લાયક હોય અને ગ્રામ પંચાયત સારી અને સુયોગ્ય રીતે વહીવટ કરે છે તો આ રાજકીય રોટલા શેકવા માટે પોતાના લાભ માટે નગરપાલિકામાં ભેળવવામાં આવેલ છે ત્યારે વહેલામા વહેલી તકે કલ્યાણપર ગામને ટંકારા નગરપાલિકાથી બાકાત કરવા અને નગરપાલિકા સાથે ન જોડવા કલ્યાણપર ગામ સમસ્ત દ્વારા માંગ કરવામાં આવી છે.